ટ્રેડિંગ કરનાર યુવાન અને બે સિરામિક યુનિટ સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં ટ્રેડીંગના વ્યવસાય સાથે અનેક યુવાનો જોડાયેલા છે. જેઓ બાકીમાં માલ દેવાની લાલચમાં ઘણી વાર છેતરાઈ છે અને લાખો રૂપિયાનો ધુંબો લાગે છે. આવા જ એક છેતરામણીના કેસમાં મોરબી અને સુરતના બે શખ્શોએ ટ્રેડિંગ કરનાર યુવાન અને બે સિરામિક યુનિટ સાથે ૧૯.૧૦ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી જગદીશભાઈ વામજા નામના યુવાને બી ડીવીઝન મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જીતેન્દ્ર મનસુખ જાકાસણીયા રહે. જેતપર તા. મોરબી અને સુરતમાં જૈન શો રૂમ ધરાવતા કરણ ભુપેન્દ્રગીરી ગોસ્વામી એ બંનેએ તેની સાથે છેતરપીંડી આચરી છે જેમાં સર્કીટ હાઉસ નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે જગદીશ વામજાને આરોપી જીતેન્દ્ર જાકાસણીયાએ વિશ્વાસ કેળવીને આરોપી કરણ ગોસ્વામીના નામે અંદાજે ૪૫ ટન ઇન્ડોનેશિયન કોલ કીમત ૪,૧૦,૫૧૦ મંગાવી રાજકોટ એસબીઆઈનો ચેક આપી વિશ્વાસઘાત કરેલ છે. તેમજ આ ઉપરાંત મોરબીની સિરામિકની બે ફેક્ટરી સાથે આરોપી જીતેન્દ્ર જાકાસણીયા અને કરણ ગોસ્વામીએ ૧૫ લાખની ટાઈલ્સ મંગાવી તેણે પેમેન્ટ ના ચૂકવી ધુંબો મારી દીધો છે આમ ત્રણેય બનાવમાં મળીને કુલ ૧૯,૧૦,૧૫૧ રૂ ની છેતરપીંડી આરોપીઓ દ્વારા આચરવામાં આવી છે બી ડીવીઝન પોલીસે છેતરપીંડી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ટાઇલ્સ સહિતના ટ્રેડિંગ કરનારા અનેક લોકો ને વારંવાર લાખો રૂપિયાના ધુંબા લાગે છે. પરંતુ બે નંબરમાં માલ મોકલતો હોવાથી આવી છેતરપિંડીની ફરિયાદો થઇ નથી. જેના કારણે જ મોરબીમાં વેપારીઓ અને કારખાનેદારો સાથે છેતરપિંડીના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.