ઘાસચારાની વ્યવસ્થા કરવા અને નર્મદાની કેનાલનું પાણી આપવા જિલ્લા પંચાયત પ્રમુખની માંગ મોરબી : મોરબી જિલ્લામાં આ વર્ષે પૂરતો વરસાદ પડ્યો નથી. જેથી ખેત ઉત્પાદન પર માઠી અસર પહોંચી છે. ત્યારે આવા કપરા સંજોગોમાં ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને દેવા તેમજ ધિરાણ પરના વ્યાજ માફ કરી દેવામાં આવે તેવી જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીબે રજુઆત કરી છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લાના મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદ પંથકમાં હાલ ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ જ અપૂરતો વરસાદ થયો છે. હજુ પણ વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. જેથી ખેડૂત વર્ગ આફતમાં મુકાઈ ગયો છે. અપુરતા વરસાદને કારણે ખેડૂત વર્ગને મોટો ફટકો પડયો છે. પરિણામે ખેડૂતોની સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. આવા સંજોગોમાં ખેડૂતોએ જે પાક ધીરાણો કે અન્ય ધીરાણો લીધા છે. તે ભરી નહિ શકતા હોય, જેથી ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખી તેમના દેવા અને ધીરાણ પરના વ્યાજ માફ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અને ખેડૂતોના મૂરઝાતા પાક બચાવવા માટે નર્મદા કેનાલનું પાણી આપવાની માંગ કરી છે.