મોરબી : મોરબીના બેલા ગામ નજીક વાહન અકસ્માતમાં થયેલ નુકસાનના વળતરની માંગણી કરતા ઉશ્કેરાયેલા શખ્સે હાથમાં બચકું ભરી લીધું હોવાની યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોરબીના બેલા ગામે રહેતા પ્રકાશભાઈ મનસુખભાઇ બાવરવાએ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરમાં રહેતા મગન બોરીચા નામના શખ્સ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બેલા ગામની સિમ નજીક આવેલ ગોડાઉન પાસે આરોપીએ પોતાના જીજે ૯વી ૨૩૦૦ નંબરના ટ્રકને રિવર્સમાં લઈને ફરિયાદીની માલિકીના જીજે ૧૦ કે ૨૭૧૩ નંબરના હાઇડ્રોકેન સાથે ભટકાડી નુકશાની કરતા તેમને નુક્શાનીનું વળતર માંગ્યું હતું. નુક્શાનીનું વળતર માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના જમણા હાથની આંગળીમાં બચકું ભરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.