કાયાપલટ થતા બાગ ધમધમવા લાગ્યો મોરબી : મોરબીમાં રાજાશાહી વખતના વીશાળ કેસરબાગને પાલિકા તંત્રએ નવા પ્રાણ ફૂંકયા છે. અત્યંત કથળેલ હાલતમાં રહેલા કેસરબાગને પાલિકા તંત્રએ પુનઃજીવીત કરી અંદર ઘણો ફેરફાર કર્યો છે. જેથી આ બાગમાં મોટી સંખ્યામાં લોકો આવતા થયા છે. મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલા કેસરબાગની ઘણા સમયથી ખંડેર હાલત હતી. કેસરબાગ રાજાશાહી વખતનું વીશાળ બાગ છે. ત્યારે તેની દુર્દશાથી તંત્રને નીચું જોવા જેવું થતું હતું. ત્યારે અંતે પાલિકા તંત્રએ આ બાબતે સજાગ થઈને કેસરબાગને પુનઃજીવીત કરવાનું બીડું ઝડપ્યું છે. પાલિકાની કામગીરીથી કેસરબાગની રોનક ફરી પાછી આવી છે. બાગમાં લીલુછમ લોન સુ વ્યવસ્થિત રીતે હોવાથી બાગની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા છે. ઉપરાંત બાગમાં લાઈટો, બાળકો માટે હીંચકા, લપસીયા જેવા રમત ગમતના સાધનો વસાવવામાં આવ્યા છે. બાગની સફાઈ કરીને અંદરથી અઢળક કચરો કાઢવામાં આવ્યો છે. જેથી બાગની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. પાલિકાએ કેસરબાગને નવા પ્રાણ ફૂંકતા બાગ નંદનવન જેવો બની ગયો છે. હાલ મોટી સંખ્યામાં લોકો બાગમાં આવે છે. આ ઉપરાંત રાતે બાગમાં અદભુત નજારો જોવા મળે છે.