મોરબીના સામાકાંઠે ભીમસરમાં માથાભારે શખ્સોના ત્રાસ અંગે કલેકટરને આવેદન આપતા લોકો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભીમસરમાં માથાભારે હાજી નામના શખ્સ તેમજ તેમના બે પુત્રો દ્વારા સરકારી જમીનમાં પેશકદમી કરી દારૂના ખુલ્લેઆમ હાટડા ફેલાવી મહિલાઓની છેડતી કરવામાં આવતા આજે રોષે ભરાયેલા રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટરને ધગધગતી રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ભીમસર વિસ્તારમાં હાજી નામનો બુટલેગર તેમજ તેના પુત્રો દ્વારા ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો વેપાર કરી આ વિસ્તારને અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બનાવી દેતા સ્થાનિક રહેવાસીઓને રહેવું મુશ્કેલ બન્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે હાજી આણી ટોળકી દ્વારા અહીં આવેલા શિવ મંદિર નજીકની સરકારી જગ્યામાં કબજો કરી લઈ મંદિરે દર્શન કરવા આવતી બહેનોને સરાજાહેર છેડતી કરવામાં આવે છે. તેમજ પુરુષોને અને બાળકોને માર મારવામાં આવતો હોવાની રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કામના આરોપી વિરૂદ્ધ બળાત્કારનો ગુન્હો પણ પાલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે તેમજ આ કામના આરોપી હાજીની ગેંગ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આતંક ફ્લાવવામાં આવી રહેલ છે જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓ હેરાન પરેશાન હોય. આ કામના આરોપીઓ વિરૂધ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવા તેઓની અટક કરી સખ્ત નશીયત કરવા તથા સરકારી જગ્યામાં તેઆ દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતીઓ બંધ કરાવવા તથા સરકારી જગ્યા ખાલી કરાવવા માંગણી કરવામાં આવી છે. વધુમાં આ અગાઉ પણ અહીંના રહેવાસીઓ દ્વારા સંબંધિત વિભાગો અને પોલીસને રજુઆત કરવામાં આવી હતી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ સંજોગોમાં જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી તાકીદે હાજી આણી ટોળકી સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે.