વાંકાનેર : વાંકાનેર નો પછાત એવો મીલપ્લોટ વિસ્તારના રહેવાસીઓનો વાંકાનેર નગરપાલિકા પર આક્ષેપ છે કે અમારા વિસ્તારને ઓરમાયુ વર્તન દાખવી રોડ-રસ્તા, સફાઈ, પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટ વગેરે પ્રશ્નો બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. આજે વાંકાનેર ના મિલપ્લોટ વાસીઓ વાંકાનેર નગરપાલિકા ના પ્રશ્નોને લઈને પ્રતિક ઉપવાસ આંદોલન પર પોતાના જ વિસ્તારમાં છાવણી નાખીને બેસી ગયા છે આ અગાઉ પણ તારીખ 9/7/2018 ના રોજ આ વિસ્તારના લોકો દ્વારા પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર ને આ વિસ્તારના પ્રશ્નો ને લઇ આવેદન આપેલ અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી પરંતુ આજદિન સુધી આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજથી આ વિસ્તારના સામાજીક આગેવાન અજીજભાઈ બ્લોચ ના અધ્યક્ષતામાં લોકો પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. આ લોકોનો આક્ષેપ છે કે વાંકાનેર નગરપાલિકા પૂર્વહઠાગ્રહ રાખી અમારા વિસ્તારના રોડ જે તૂટી ગયેલ છે તેને રીપેરીંગ કે નવા બનાવી આપતા નથી જેથી વરસાદમાં પાણી ભરાઈ જવાથી લોકોને આવન-જાવનમાં તકલીફ પડી રહી છે એ ઉપરાંત નિયમિત પીવાનું પાણી પણ આપવામાં આવતું ન હોય લોકો હાલાકી ભોગવી રહ્યા છે સ્ટ્રીટ લાઈટ મોટાભાગની બંધ હોય અને આ વિસ્તારમાંથી જ રેલવે સ્ટેશન જવાનો રસ્તો હોઈ રાત્રિના સમયે ઘણી તકલીફો પડી રહી છે આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ રેગ્યુલર આવતા ન હોય કચરાના ગંજ ખડકાઈ રહ્યા હોય ગંભીર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોય આ બાબતે અવારનવાર સત્તાધારી પક્ષના લોકોને અને અમારા વિસ્તાર ના નગરપાલિકાના સભ્યો ને રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવતી ન હોય નાછૂટકે આ રસ્તો અપનાવવો પડ્યો છે અમારી માંગણી છે કે અમારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવો અથવા તો પાયાની જરૂરિયાતો પૂરી ન થતી હોય તો અમારા વિસ્તાર ના નગરપાલિકાના સભ્યો રાજીનામા આપે. વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા કહે છે કે નગરપાલિકા દ્વારા રોડનું કામ ચાલુ કરી આપવામાં આવેલ છે અને અત્યારે મેઈન રસ્તા બનાવવાનું કામ ચાલુ છે મેઈન રસ્તા બન્યા બાદ જે તે પરાના અંદરના રસ્તા બનાવવાના જ છે પરંતુ તાત્કાલિક બધા રસ્તા એકસાથે બનાવવા શક્ય નથી સમય આવ્યે વારાફરતી બધા રસ્તા બનાવી જ આપીશું. વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા કહે છે કે વાંકાનેરમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે તેમ છતાં જો તે વિસ્તારમાં જો કોઈ પ્રશ્ન હશે તો તેને પ્રાથમિકતા આપી નિવેડો લાવવામાં આવશે અને સ્ટ્રીટ લાઈટ ચાલુ જ છે જો કોઈ બંધ હશે તો તાત્કાલિક નવી નાખી આપવામાં આવશે. આ અંગે વાંકાનેર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર દિપકસિંહ ઝાલા જણાવે છે કે વાંકાનેર નગરપાલિકા વિસ્તાર ઘણો મોટો હોય અને સફાઈ કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દરેક વિસ્તારની રોજ સફાઈ કરવી શક્ય ન હોય આવા પ્રશ્નો ઉદ્ભભવે છે પરંતુ અમારા કર્મચારીઓ દ્વારા વ્યવસ્થિત જે તે વિસ્તારના વારા પ્રમાણે સફાઈ કામગીરી કરવામાં આવે જ છે અને હમણાં જ સરકાર શ્રી તરફથી ડોર ટુ ડોર કચરો ભરવા માટે વાહનો ફાળવેલ છે જે ચાલુ થઈ જતા લોકો રસ્તા પર કચરો ના ફેંકે અને અમારા વાહનોમાં કચરો નાખે જેથી રસ્તા પર કચરોનો પ્રશ્નો ન રહે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો કલેકશન માટે ફાળવેલ વાહનોમાં અત્યારે ડ્રાઇવરો પૂરતા પ્રમાણમાં ન હોય ડ્રાઇવરોની ભરતી કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ છે જો કોઈને ડ્રાઇવર માં ભરતી થવું હોય તો વાંકાનેર નગરપાલિકા નો સંપર્ક કરે. આમ વાંકાનેર નગરપાલિકા વિરૂધ્ધ વાંકાનેર ના મીલપ્લોટ વિસ્તારના લતાવાસીઓ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે આશા રાખીએ આ વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ સત્તાધારી પક્ષ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે.