સુનવણીમાં કેમિકલ પ્લાન્ટથી આરોગ્ય સામે જોખમ હોવાની રાવ કરતા ૭ ગામના લોકો : ગ્રામજનોની રજુઆત કલેક્ટર દિલ્હી પ્રદુષણ બોર્ડને પહોંચાડશે મોરબી : મોરબીના બહાદુરગઢ ગામ નજીક આવેલા મેસર્સ રિબેકા લેમીનેટ્સ નવો કેમિકલ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેની સુનવણીમાં ૭ ગામોએ તેની સામે વિરોધ દર્શાવી આ પ્રોડક્ટના ઉત્પાદનથી આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થવાની રાવ કરી હતી. ત્યારે કલેક્ટરે ગ્રામજનોની રજુઆત સાંભળી આ રજૂઆતો દિલ્હી પ્રદુષણ બોર્ડને મોકલશે તેમ જણાવ્યું હતું. મોરબીના સોખડા ગામના પાટિયા પાસે બહાદુરગઢ ગામ નજીક ૧૪,૫૬૯ ચો.મી. વિસ્તારમાં પથરાયેલ મેસર્સ રિબેકા લેમીનેટ્સ એક નવી પ્રોડક્ટ યુરિયા ફોર્માલડીહાઇડ રેઝીનનું ઉત્પાદન શરૂ કરવા નવો પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. જેથી અધિક કલેકટરની હાજરીમાં આ અંગે લોક સુનવણી હાથ ઘરવામાં આવી હતી. જેમાં બહાદુરગઢ, સોખડા, નાગડાવાસ, રામપર સહિતના ૭ ગામના સરપંચોએ અને ગ્રામજનોએ નવા કેમિકલ પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ એકમના કારણે ચામડી, કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત ખેતરોના ઉભા પાક પણ સુકાઈ જાય છે. ગ્રામજનોએ પ્રદુષણ ફેલાવતા આ કેમિકલ પ્લાન્ટ નાખવાની મંજૂરી ન આપવાનું જણાવી આ બાબતે ઉગ્ર રજુઆત કરી હતી. તેથી કલેક્ટરે આ મામલે પ્રદુષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાતો હોવાનું જણાવીને આ તમામ ગામ લોકોની રજૂઆતને દિલ્હી પ્રદુષણ બોર્ડને મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.