પ્રેમ સંબંધમાં નડતર રૂપ પતિને બોથડ પદાર્થના ઘા ઝીકી કરાઈ હતી હત્યા : સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં મોરબી કોર્ટનો કડક ચુકાદો મોરબી : હળવદ તાલુકાના ઇસનપુર ગામે પ્રેમ સંબંધમાં નડતરરૂપ પતિને પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દેનાર કળજુગની પત્ની અને પ્રેમીને મોરબીની અદાલતે આજીવન કેદની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી છે. આ ચકચારી કેસની વિગતો જોઈએ તો તારીખ ૮-૬-૨૦૧૬ ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર ગામે રહેતા રણછોડભાઈ છગનભાઇ સોનાગ્રા ઉ.૩૮ ને પ્રેમમાં અંધ બનેલી તેમની જ પત્ની ગંગાબેને તેના પ્રેમી રમેશ ગંગારામ મોરી રહે.ટીકર વાળાએ સાથે મળી ગુજરનાર રણછોડભાઈને બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં પોલીસે તપાસના અંતે પુરાવા સાથે કેસ અદાલત સમક્ષ રાખ્યો હતો જેમાં આજે મોરબી સેસન્સ કોર્ટના જજ રિઝવાના બેન ઘોઘારીએ સમાજમાં આવી ઘટનાઓ બનતી અટકે તે માટે કડક ચુકાદો આપી પરણિત હોવા છતાં પ્રેમમાં અંધ બનેલી પત્ની ગંગા અને તેના પ્રેમી રમેશને આજીવન કેદ અને રૂપિયા ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઈ દવે અને ધર્મેન્દ્ર આદ્રોજા રોકાયા હતા.