એન.જી.મહેતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પ્રાંગણમાંથી ૩૦૦૦ ટન કચરાનો નિકાલ કરાયો મોરબી : ગુરુ શિષ્યની ભુલાતી પરંપરા વચ્ચે મોરબીની એન.જી.મહેતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળા અને ગુરુનું ઋણ ચુકવવાની સાથે પર્યાવરણની જાળવણી થાય તેવા ઉમદા હેતુ સાથે શાળાના પ્રાંગણમાં ગુરુપૂર્ણિમાના અવસરે ૪૦૦ ઔષધીય વૃક્ષો વાવવા સંકલ્પ કર્યો છે. આ પૂર્વે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાંથી ૩૦૦૦ ટન કચરાનો નિકાલ કરી શાળાને ચોખ્ખી ચાણખ બનાવી દીધી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ પર આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.જી.મહેતા હાઈ સ્કૂલ શિક્ષણક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે એન આ શાળામાં અભ્યાસ કરનાર અનેક વિદ્યાર્થીઓ શાળાના ગૌરવરૂપે આજે મોભાદાર હોદાઓ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે શાળામાં વર્ષ ૧૯૯૨ થી ૧૯૯૫ ની બેચના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ તરફથી મળેલી અમૂલ્ય કેળવણીના કારણે આજે જુદા - જુદા વ્યવસાયમાં સફળ થયા હોવાથી ગુરુનું ઋણ ચૂકવવા તત્પર છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નરેન્દ્રભાઈ અઘારા, મનીષભાઈ આદ્રોજા, ભાવેશભાઈ સરસાવડીયા, વિનોદભાઈ તોમર, ડો.પ્રવીણભાઈ બરાસરા, ધર્મેન્દ્રભાઈ ઉભડિયા સાહિતનાઓએ જણાવ્યું હતું કે માં બાપ અને ગુરુથી અધિક આ દુનિયમા કોઈ નથી, ગુરુ જ શિક્ષણ થકી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે ત્યારે ઇશ્વરથી પણ મહાન ગુરુનું ઋણ ચૂકવવા અમે નેક પ્રયાસ કર્યો છે. ગુરુદક્ષિણા રૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા શાળાના પ્રાંગણમાં પડેલો ૩૦૦૦ ટન જેટલો કચરો હટાવ્યો હોવાનું જણાવી આ ટીમે ઉમેર્યું હતું કે આગામી ગુરુપૂર્ણિમાના અવસરે અહીં ૪૦૦ ઔષધીય વૃક્ષનું વાવેતર થશે જેને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ઉછેરવામાં આવશે, ઉપરાંત સ્કૂલની આજુ બાજુ રહેતા લોકો દ્વારા અહીં કચરો નાખવામાં આવતો હોવાથી કચરો ફેકનાર પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ પણ વસુલ કરવામાં આવનાર હોવાનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું.