એસપી કચેરી ખાતે જયપાલસિંહ રાઠોડ અને અક્ષયરાજ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો મોરબી : મોરબીના નવા એસપી તરીકે રાજકોટના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાને મુકવામાં આવ્યા છે જ્યારે જયપાલસિંહ રાઠોડની અમદાવાદમાં ઝોન-૧ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. ઉપરાંત મોરબીના એએસપી અક્ષયરાજ મકવાણાને પ્રમોશન સાથે અમદવાદ ટ્રાફિકમાં મુકવામાં આવ્યા છે. ત્યારે મોરબીથી બદલી થયેલા બન્ને આઇપીએસ અધિકારીનો વિદાય સમારોહ એસપી કચેરી ખાતે યોજાયો હતો. રાજ્યના ૬૬ આઇપીએસ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબીના એસપીની પણ બદલી થઈ છે. મોરબીના એસપી જયપાલસિંગ રાઠોડની અમદાવાદ સિટીમાં ઝોન-૧ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે તેમની જગ્યાએ મોરબીના નવા એસપી તરીકે રાજકોટ સીટી ઝોન-૨ના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાને મુકવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં પ્રોબેશન પીરીયડમાં રહેલા આઇપીએસ અક્ષયરાજ મકવાણાનો પ્રોબેશન પિરિયડ પૂરો થતા તેમને પ્રમોશન સાથે અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાન્ચમાં ડીસીપી તરીકે મુકવામાં આવ્યા હતા. જેથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે બંને આઇપીએસનો વિદાય સમારોહ એસપી કચેરી ખાતે યોજાયો હતો. જેમાં બન્નેને પુષ્પગુચ્છ આપી ભાવભેર વિદાય અપાઈ હતી. આ તકે જિલ્લાના ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઈ હાજર રહ્યા હતા.