માત્ર વૃક્ષ વાવીને જવાબદારી ખંખેરવાને બદલે ગામને હરિયાળું બનવવા જવાબદારી ઉપાડી ટંકારા : ટંકારા તાલુકાના નાના એવા ગણેશપર ગામના યુવાનો દ્વારા ચોમાસાની ઋતુનો લાભ લઇ ગામને હરિયાળું બનાવવા સંકલ્પ સાથે માત્ર વૃક્ષો વાવીને જવાબદારી પુરી કરવાને બદલે ૫૦૦ વૃક્ષોનું જતન કરી ઉછેરવાની જવાબદારી ઉપાડી નવયુવાનોને નવો રાહ ચીંધ્યો છે. ટંકારા તાલુકાના ગણેશપર ગામની યુવા પાંખ દ્વારા ૫૦૦ જેટલા વુક્ષો વાવી ઉછેર કરવા જવાબદારી ઉપાડી છે, હરીયાળી ક્રાંતિ ગણેશપર કાર્યક્રમ અંતર્ગત ગામને હરિયાળું બનાવવા માટે ગામની આસપાસના સાર્વજનિક સ્થળોએ યુવાનો દ્વારા ૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણેશપરમાં રહેતા યુવાનો તથા ગણેશપરની બહાર કામ ધંધા અર્થે સ્થાયી થયેલા ભાઈઓએ યોગદાન આપ્યુ હતું અને ગણેશપર ગામ પ્રત્યે અને ધરતીમાતા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. આજની યુવા પેઢી મોબાઇલ ફોન પર વ્યસ્ત છે ત્યારે આ નાનકડા ગણેશપર ગામના નવયુવાનોએ વૃક્ષો વાવી વૃક્ષોને ઉછેરવાનો દ્રઢ સંકલ્પ લેતા આવનાર દીવસોમા ગણેશપુર લીલો પ્રદેશ બની જશે તેમાં શંકાને સ્થાન નથી.