ગોપાલક રચનાત્મક સમિતિએ કલેકટરને રજુઆત કરી: સોમવારે વડવાળા યુવા સંગઠન કલેક્ટરને રજુઆત કરશે મોરબી : મોરબી જિલ્લામાં તાત્કાલિક ધોરણે પશુ ધન માટે ઘાસ તેમજ ખોળ રાહતભાવે આપવાની માંગ સાથે ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત આગામી સોમવારે વડવાળા યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે. જેમાં બહોળી સંખ્યામાં માલધારીઓ જોડાશે. ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા કલેકટરને રજુઆતમાં જણાવાયું હતું કે હાલ મોરબી જિલ્લામાં વધુ વરસાદના કારણે ઘાસના વેપારીઓ દ્વારા એક મણ ઘાસના સો રૂપિયા ઉપર ભાવ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ ભાવ પશુપાલકોને પરવડે તેમ નથી.વધુમાં જણાવાયુ હતું કે હાલ પશુપાલકોને પશુના આહારને લઈને હાલાકી પડી રહી છે. જેને દૂર કરવા માટે મોરબી જિલ્લામાં ઘાસ ડિપો શરૂ કરવામાં આવે અને પશુપાલકોને ઘાસ અને ખોળ રાહતભાવે આપવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત હાલ અનેક પશુઓ ઘાસની અપૂરતી વ્યવસ્થાને કારણે મોતને ભેટી રહ્યા છે. જેથી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી સોમવારે જિલ્લા કલેક્ટરને સવારે ૧૧ કલાકે રજુઆત કરવામાં આવશે. જેમાં બહોળી સંખ્યામાં માલધારીઓ જોડાશે. તેમ રામજીભાઈ રૂપાભાઈ રબારીની યાદીમાં જણાવાયું છે.