બે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા : ત્રણ ફરાર આરોપી પૈકી એકને ઊંઝા પકડવા ગયેલી પોલીસ ખાલી હાથે પરત ફરી માળીયા : માળીયા પાસે સર્જાયેલા સોયાબીન તેલની ચોરીના પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કુલ ૪ દિવસમાં ૩૦ ગાડીઓમાંથી સોયાબીન તેલની ચોરી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત આ કામના ફરાર ૩ આરોપી પૈકીના એક આરોપીને ઊંઝા પકડવા ગયેલ માળીયા પોલીસ ખાલી હાથે પરત ફરી છે. માળિયાની ભીમસર ચોકડી પાસે બે દિવસ પહેલા ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે ટેન્કરમાંથી સોયાબીન તેલની ચોરી કરતા ટેન્કર ચાલક હાજીયા બાઉશા ફકીર અને તેજરામ બાબુલાલ પ્રજાપતિને રૂ. ૩૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જોકે ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસ અને જિલ્લાની એજન્સીને ઉંઘતી રાખીને આ સોયાબીન તેલની ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું. અંતે રહી ગયેલી થોડી આબરૂ બચાવવા માટે માળીયા પોલીસ સોયાબીન તેલ ચોરીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા ગહન તપાસ કરી રહી છે. આ અંગે માળીયા પોલીસના અમૃતભાઈએ જણાવ્યું હતું કે ચાર દિવસથી ટેન્કરોમાં સોયાબીન તેલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું. ચાર દિવસ દરમિયાન આરોપીઓએ ૩૦ ગાડીમાં સોયાબીન તેલની ચોરી કરી હતી. એક ગાડી માંથી ૩૦ લીટરનો કરબો ભરવામાં આવતો હતો. ટેન્કરના ડ્રાઇવરની મિલીભગત થી આ કૌભાંડ ચાલતું હતું. આરોપીઓ ડ્રાઇવરને રૂ. ૧૪૦૦નો હપ્તો ચૂકવી દેતા હતા. જો કે આ કૌભાંડનું પડદા પાછળ રહી સંચાલન કરતા ત્રણ આરોપીઓ કૌશિક પટેલ, ભરત કરશન આહીર, જુસબ મહમદઅલી જેડા હાલ ફરાર છે. જયારે કૌશિક પટેલને પકડવા માટે માળીયા પોલીસ ઊંઝા ગઈ હતી. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો.