ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત : તાકીદે યોગ્ય નહિ થાય તો આંદોલનની ચીમકી મોરબી : જાંબુડિયા ગ્રામપંચાયતના રફાળેશ્વરમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે સ્થાનિકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી જો તાકીદે યોગ્ય નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ રજુઆતમાં જણાવ્યું હતું કે જાંબુડિયા ગ્રામપંચાયતના રફાળેશ્વરમાં આવેલ સોનલ સોસાયટી અને ગઢવી વાસમાં પાંચ શેરીઓમાં ગટરનું કામ પૂર્ણ કર્યા બાદ રોડનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે રોડની હાલત અત્યંત બિસ્માર છે. જેથી લોકોને અહીં અવરજવરમાં ભારે પરેશાની વેઠવી પડે છે. વધુમાં ગ્રામજનોએ આ મુદ્દે તાકીદે કાર્યવાહી નહિ થાય તો જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.