(1) મોરબીમાં પત્નીને તેડવા ગયેલા યુવક પર બે શખ્સો લાકડી વડે તૂટી પડયા મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતો યુવક તેની પત્નીને તેડવા ગયો ત્યારે બે શખ્સોએ માથાકૂટ કરી લાકડી વડે મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિસીપરા વિસ્તારના રહેવાસી મંજુર હુશેન અનવરભાઈ મિયાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની માસાના ઘરે જતી રહેલ હોય જેથી યુવાન તેની પત્નીને તેડવા ગયો હતો ત્યારે આરોપી હુશેન જામ રહે. વિસીપરા અને હનીફ રસુલ ભટ્ટી રહે. વાવડી રોડ મોરબીવાળાએ બોલાચાલી કરી લાકડી વડે માર માર્યો હતો. બી ડીવીઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. (2) મોરબીના મકનસર ગામે ભાડુઆત દંપતીએ મકાનમાલિકને લાકડીથી લમધાર્યા મોરબીના મકનસર ગામે ભાડુઆત દંપતીએ મકાન માલિકને લાકડી વડે મારમાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના મકનસર ગામે રહેતા મોહનભાઈ અમરાભાઈ પાતળિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના પરિવાર સાથે ઘરના છત પર સુતા હતા ત્યારે તેના ભાડુઆત સંજયભાઈ જીવાભાઈ જોગેલ અને પ્રભાબેન જીવાભાઈ જોગેલે કેમ ગાળો બોલો છો કહી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી હતી. (3) મોરબીના વૃષભનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત મોરબી : મોરબીના વૃષભનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી તપાસ આદરી છે. મોરબીના વૃષભનગરમાં રહેતા મેહુલ દિનેશભાઇ બરાસરાએ કોઈ કારણોસર ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તાત્કાલિક યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવતા હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ મામલે નોંધ કરી બી ડિવિઝન પોલીસે યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.