મોરબી : ગઈકાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ હજુ પણ મોરબી જિલ્લા સાથે મેઘરાજા નારાજ હોય તેમ વાદળ છાયા વાતવરણ વચ્ચે વરસાદી ડોળ જ થતો હોય લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આજે મેઘાવી માહોલ વચ્ચે ટંકારામાં માત્ર ચાર મિલિમિટર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત પર ઓળઘોળ બનેલા મેઘરાજા ગઈકાલથી સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં મનમૂકીને વરસી રહ્યા છે પરંતુ હજુ પણ મોરબી જિલ્લો કોરો રહેતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે અને શહેરીજનો પણ મચ્છુ ડેમના તળિયા દેખાય જતા પીવાના પાણીની સમસ્યાની ચિંતા કરી રહ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા વરસાદી ડોળ કરી રહ્યા હોય સૌને સારા વરસાદની આશા છે. ત્યારે મેઘરાજા મોરબી જિલ્લાના લોકોની આશા પૂર્ણ કરે છે કે નહીં તે જોવુ રહ્યું.