૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૨.૮૪ લાખ બાળકોને અપાશે રસી : ૧૫૪ ટીમો દ્વારા ૩૮૭૭ સેશનમાં થશે રસીકરણની કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા ૧૬થી મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના કુલ ૨,૮૪,૪૩૪ બાળકોને રસી આપવામાં આવનાર છે. કુલ ૧૫૪ ટીમો દ્વારા ૩૮૭૭ સેશનમાં રસિકરણની કામગીરી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ સુધીમાં ઓરી નાબૂદ કરવા તથા રુબેલા પર નિયંત્રણ મેળવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબીમાં તા ૧૬ જુલાઈથી રુબેલા અને મિઝલ્સ રસીકરણ અભિયાન શરૂ કરવામા આવશે. જેમાં મોરબી જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને મિઝલ્સનું વેકસીન આપવામાં આવશે. રસીકરણ અભિયાન સંદર્ભે મોરબી જિલ્લા વિકાસ અધિકારિના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટી બનાવી સંલગ્ન વિભાગના અધિકારીઓ, ધાર્મિક આગેવાનો, એન.જી.ઓ, આઈ.એમ.એ. તથા એ.ઓ.પી.ના મેમ્બર્સ, ડબ્લ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિઓ દ્વારા રસીકરણ કામગીરીનું પ્લાનિંગ અને સંકલન કરવામાં આવ્યું છે. રસીકરણ અભિયાન અંતર્ગત આરોગ્યના તમામ સ્ટાફ, આઈ.સી.ડી.એસ.ના આંગણવાડી બહેનો, શિક્ષણ વિભાગના નોડલ ટીચર અને આચાર્યોને તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં વાલી મિટિંગો યોજી વાલીઓને રસીકરણ અંગેની માહિતી આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ ૨,૮૪,૪૩૪ બાળકોને રસીકરણ અભિયાનમાં સમાવીને તેઓને મિઝલ્સ અને રુબેલાની રસી આપવામાં આવશે. જેના માટે શાળા, આંગણવાડી, સીમ વિસ્તારો, કારખાના વિસ્તારોમાં ૧૫૪ ટીમો દ્વારા અંદાજીત ૩૮૭૭ સેશન યોજી રસિકરણની કામગીરી કરવામા આવશે.