શાંતિવન સોસાયટીના રોડ પ્રશ્ને રજુઆત કરવા આવેલા રહીશો અને પાલિકાના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો મોરબી : મોરબી નગરપાલિકા કચેરીએ શાંતિવન સોસાયટીના રહીશો રોડ પ્રશ્ને રજુઆત કરવા આવ્યા હતાં. તે દરમિયાન રહીશો અને પાલિકાની મહિલા કર્મચારી વચ્ચે ડખો થઈ ગયો હતો. આ મામલે બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીની શાંતિવન સોસાયટીના રહીશ મૂળજી દેવજી સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શાંતિવન સોસાયટીના રોડ પ્રશ્ને નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસરને રજુઆત કરવા આવ્યા હતા. તે દરમિયાન ચીફ ઓફિસર હાજર ન હતા. ત્યારે પાલિકાના મહિલા કર્મચારી સોનલબેન આંબાભાઈ પાંચિયાએ તેઓ સાથે બોલાચાલી કરીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. સામા પક્ષે પાલિકાના મહિલા કર્મચારી સોનલબેન આંબાભાઈ પાંચિયાએ મૂળજી દેવજી સોલંકી, રાજુ કલ્યાણજી અને રામજી માસર સામે ફરિયાદ નોંધાવી હતી કે શાંતિવન સોસાયટીના રહીશો રજુઆત કરવા આવ્યા ત્યારે મૂળજી દેવજી સોલંકીએ તેમના પગે ઠેસ પહોંચાડી, બાવડું પકડીને અશ્લિલ હરકત કરી ફરજમાં રુકાવટ લાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.