કેમિકલયુકત પાણીથી ગ્રામજનોના આરોગ્ય સામે મોટુ જોખમ : તાકીદે કાર્યવાહી કરવા પ્રદુષણ બોર્ડ સમક્ષ માંગ મોરબી : મોરબીના રંગપર ગામે ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી આ પાણી પીધા બાદ ગાયોના મોત નિપજ્યા હોવાના બનાવો બને છે. તાજેતરમા જ બે ગાયોનો પ્રદુષિત પાણીએ ભોગ લીધો છે. ઉપરાંત લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઉભું થયું છે. ત્યારે ગ્રામજનોએ પ્રદૂષણ બોર્ડને રજુઆત કરી વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રંગપર ગામે રહેતા સંદીપસિંહ કિરીટસિંહ ઝાલા સહિતના ગ્રામજનોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને રજુઆત કરી હતી કે રંગપર ગામે આવેલા પેપર મિલ કારખાનામાંથી પ્રદુષિત પાણી નીકળે છે. તેની પ્રદુષિત હવા પણ દુર્ગંધયુક્ત છે. આ પ્રદુષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા આ પાણી પાઇપલાઇનથી દોઢ કીમી દૂર આવેલા વોકળામાં ઠાલવે છે. આ પાણી ખુબજ કેમિકલ વાળું તથા પ્રદુષિત હોવાથી ખેડૂતો તથા માલધારીઓના પશુઓ આ પાણી પીવે તો તેના મોત નીપજે છે. વધૂમાં જણાવ્યું કે તાજેતરમાં જ આ કેમિકલયુક્ત પાણી પીને બે ગાયો મોતને ભેટી છે. પેપરમિલમાંથી નીકળતી પ્રદુષિત હવા ગામમાં ફેલાઈ છે. જે અસહ્ય પ્રદુષિત હોવાથી ગામના લોકોના આરોગ્ય પર ખતરો રહે છે. રંગપર ગામમાં કોલગેસનો ઉપયોગ કરતા અનેક એકમો આવેલા છે. જેનું પ્રદુષિત પાણી ગામની સીમમાં કે રસ્તાઓ પર ઠાલવી જાય છે. જો કે આ બાબતે જે તે ઔદ્યોગિક એકમોના માલિકોને રજુઆત કરી છે પરંતુ માલિકોએ આ રજુઆત ગણકારી નથી. તેથી ગ્રામજનોએ પ્રદુષણ બોર્ડને રજુઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.