અગાઉ પણ પાંચ વખત કલેકટર અને ચિફ ઓફિસરને રજુઆત કરી પરંતુ પરિણામ શૂન્ય : તંત્રએ જાણે આ પ્રશ્નનું નિરાકરણ ન લાવવાની ટેક લીધી હોય તેવો ઘાટ સર્જાયો મોરબી : મોરબીના બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલ ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેના પ્લોટ પર કબજો જમાવી ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા દબાણ અંગે આજે રહીશો દ્વારા છઠ્ઠી વખત કલેકટર તેમજ ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. ત્યારે તંત્રએ આ પ્રશ્નનું નિરાકરણ ન લાવવાની જાણે ટેક લઈ લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી સોસાયટીના કોમન પ્લોટ ઉપર ભુમાફિયા દ્વારા દબાણ કરી લેવામાં આવતા સોસાયટીના રહીશોના નાના મોટા પ્રસંગો થઈ શકતા ન હોવાનું તેમજ બાળકોને રમવા માટે જગ્યા પણ મળતી ન હોવાનું જણાવાયું હતું. વધુમાં ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે ભુમાફિયાઓ દ્વારા કારસો ઘડવામાં આવ્યો હોવાનું જણાવી સોસાયટીના રહીશો કે સોસાયટીના બિલ્ડર કે અન્ય કોઈ પ્લોટમાં દબાણ નહિ કરવાનું સમજવા જાય તો પણ ભુમાફિયાઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રહીશોના જણાવ્યા મુજબ તેઓએ આ છઠી વખત જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. અગાઉ પાંચ વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાના પગલે દબાણ કરનારને મેદાન મોકળુ થઈ ગયું છે. હાલ રહીશોએ આ પ્લોટ ખુલ્લો કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.