દસ વર્ષ પૂર્વે જઠરાગ્નિ ઠારવા આવેલી બિલાડીને હૂંફ મળતા તે દુકાનમાં જ સ્થાયી થઈ, આજે ૯ બિલાડીઓનો પરિવાર થઈ ગયો ટંકારા : ટંકારામાં ૧૦ વર્ષ પૂર્વે કિરાણાની દુકાનમાં જઠરાગ્નિ ઠારવા આવેલી બિલાડી વેપારીનો પ્રેમ પારખી જતા દુકાનને જ આશ્રયસ્થાન બનાવી લીધું હતુ. જોત જોતામાં ૯ બિલાડીનો પરિવાર થઈ ગયો હતો.આ બિલાડીઓ આજે વેપારી સાથે પ્રેમનો અતૂટ નાતો ધરાવે છે. કહેવાય છે ને કે પ્રેમ નાત-જાત નાનું-મોટું અમીર - ગરીબ રૂપાળું કે કદરૂપુ કંઈ જ જોતો નથી બસ એ તો થઈ જાય છે આવી જ એક પ્રેમ ની કહાની કે જે ટંકારાના ભાગોળે આવેલી કિરાણાની દુકાન ચલાવતા નવીનભાઈની છે. જેમને ત્યાં આજથી દસેક વર્ષ પહેલા બિલાડીએ પોતાના પેટની જઠરાગ્નિ ઠારવા માટે કિરાણાની દુકાનનો સહારો લીધો અને જીવદયાપ્રેમી વેપારીએ બિલાડી ની વેદનાને સમજી હોય તેમ તેની પાસે રહેલી ખાદ્યચીજો આપતા બિલાડી ભયમુક્ત બની હતી. અને જોતજોતામાં રોજના આવન જાવન થી પ્રેમ વધ્યો હતો અને પરિવારના સદસ્ય હોય તે જ રીતના આ બિલાડી એ દુકાનમાં જ તેનું આશ્રય સ્થાન લઈ લીધું હતું. આજે વર્ષો બાદ આ એક બિલાડી ના ૯ જેટલા પરિવારના સદસ્યો છે જે પણ અહીં કિરાણાની દુકાન માં જ પોતાના પરિવારની માફક રહે છે કૂદે છે રમે છે ખાઈ છે અને કોઈપણ જાતના ભય વગર મોજ કરે છે. સામાન્ય રીતે સમાજમાં બિલાડી અપશુકન માટે જવાબદાર હોય તેવી માનસિકતા છે અને બિલાડી થી ભય લાગતો હોય તેમ તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હોય છે ત્યારે ટંકારાના બકરાણીયા પરિવાર આ તમામ માન્યતાઓથી અલગ થઈ બિલાડીને રણકતી જોઈ તેમની પ્રેમ અને હુફ મેળવી આજે અલગ કેડી કંડારી છે. એક નહી પણ નવે નવ બિલાડી પરિવારના સભ્યો એકી સાથે વેપારીની દુકાનમાં સવાર-સાંજ દૂધ અને બપોરે જમણવારની સાથે બેસીને લિજ્જત માણે છે આજના યુગમાં પ્રેમ શબ્દ હવે માત્ર લખવા કે બોલવા પૂરતો જ રહ્યો છે ભાઈભાંડુ અને સંબંધી પણ મકાન કે ખાધાખોરાકી માટે ઝગડતા રહે છે ત્યારે આ સુથાર વેપારી પરિવારે બિલાડીને આશ્રય આપી પ્રેમને સમાજ વચ્ચે જીવતં રાખી દેખાડ્યો છે