સંજય દત્ત. નરગિસ અને સુનિલ દત્તનું આ સંતાન એના માતાપિતા કરતાં એની જીવવાની પદ્ધતિથી વધુ પ્રખ્યાત થયું છે! જે રીતે સંજય દત્તની લાઈફમાં રોલરકોસ્ટર જેવા ઉતારચઢાવ આવ્યા છે, એ પરથી ફિલ્મ બનશે એ તો નક્કી જ હતું, પણ માણસને એના વખાણ સાંભળવા મૃત્યુ સુધી રાહ જોવી પડે, સંજય દત્તને નહીં! સંજય દત્તે એકવાર રાજકુમાર હિરાણીને પોતાના જીવન વિશે થોડી વાત કરી, બે ત્રણ વખતની આવી છૂટક છૂટક વાતચીત પરથી આર.કે.એ નક્કી કરી લીધું ફિલ્મ બનાવવાનું.... ને આમ, સંજુ આપણી સામે આવી. પહેલી નજરે જ સંજય દત્તના રોલમાટે આર.કે.એ બીજા આર.કે. રણબીર કપૂરને પસંદ કરી લીધો. સંજય દત્ત વિશેની આ ફિલ્મ એક બાયોપિક છે, સંજયના જીવનની અઢળક ઘટનાઓમાંથી ચૂંટેલા પ્રસંગોને લઈને બનેલી છે. ડ્રગ એડિક્શન અને અંડરવર્લ્ડ કનેક્શન જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંજુબાબાની સાઈડ રજૂ કરતી આ ફિલ્મમાં સંજય દત્તને દરેક તબક્કે સંજોગોનો શિકાર નાયક બતાવ્યો છે. સંજયે જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું અથવા તો ભૂલથી કર્યું પણ એ એક સારો માણસ છે, એવું સતત આપણને ફિલ્મ કહ્યા કરે છે. એ ભૂલભૂલમાં 308 કન્યાઓ સાથે સહશયન કરે, જગતની તમામ ડ્રગ્સનું વ્યસન કરે, દારૂપીવા ગર્લફ્રેન્ડના પિતાના ઘરે રાત્રે દોઢ વાગ્યે પણ જાય, પિતાના રક્ષણ માટે AK56 રાઈફલ રાખે, જીગરજાન મિત્રની ગર્લફ્રેન્ડની સાથે પ્રેમલાપ કરે.... પણ સંજય એક સારો માણસ છે. હશે, આપણે ફિલ્મની રીતે આને જોઈએ તો આ કહાની પૂરેપૂરી ફિલ્મી છે, નાયકની અંદરનો ખલનાયક કેવી રીતે હાવી થાય અને કેવી રીતે એના પર જીત મેળવી શકાય, આ બધું જ આ ફિલ્મમાં છે. સંજય દત્તને ફિલ્મમાં એક ફરિયાદ રહે છે, મીડિયા તેનું સાંભળતી નથી, કેસમાં જજ આપે એ પહેલાં મીડિયા ચુકાદો આપી દે છે. આ માટે તે પોતાની જીવનકથા (બાયોપિકની અંદર બાયોગ્રાફી!) લખાવાનું નક્કી કરે છે. એના દ્વારા લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકાય. (ફિલ્મ દ્વારા પણ એ જ કામ થયું,ને☺) આ લખવાનું કામ સોંપાય છે, વીની (અનુષ્કા શર્મા)ને. વિશ્વની પ્રખ્યાત લેખિકા કોઈપણ વિશે પૂરી ખાત્રી કર્યા વિના લખતી નથી. સંજય પોતાની સ્ટોરી એને કહે છે, અને ફિલ્મ ફ્લેશબેકમાં શરૂ થાય છે, છેક 1981માં રોકી ફિલ્મનું શૂટિંગ કરતાં પિતા-પુત્ર સુનિલ-સંજય દત્તથી. દરેક પિતાને હોય એવી ફરિયાદ એને પણ છે. પુત્રને સુપરસ્ટાર બનાવવાનો પિતાનો પ્લાન છે, પણ એ માટેની ઊંચી અપેક્ષાઓ પુત્રને ડ્રગ્સ તરફ ધકેલે છે. માતાની બીમારી ડ્રગ લેવાનું બીજું કારણ. આમ, સ્ટોરી નવા નવા પડદા ખોલતી જાય છે. રાજકુમાર હિરાણી એ આ લેખિકાના પાત્રને ખૂબ જ સ્માર્ટ બતાવ્યું છે, જાણે પોતે જ આ કેરેક્ટર હોય એમ! આખી ફિલ્મમાં રણબીર કપૂરે અદ્ભૂત પર્ફોર્મન્સ આપ્યું છે. જાણે 22 વર્ષના ન્યુકમર સંજય દત્ત અને મુન્નાભાઈ સંજય દત્તના રોલમાં રણબીર છે જ નહીં, ખુદ સંજુબાબાને આપણે જોતાં હોઈએ એવું લાગે. મેકઅપ અને ગેટઅપ જ નહીં, સ્ટાઇલ, જેસ્ચર અને બોડી લેન્ગવેજમાં પણ સંજય દત્તને રણબીરે આત્મસાત કર્યો છે! રોકસ્ટાર અને બરફી પછીનું આ પર્ફોમન્સ રણબીર કપૂરનું યાદગાર બની રહેશે. જીવતા કેરેક્ટરનો એમાંય એક્ટર હોય એવા કેરેક્ટરનો રોલ કરવો જેવું તેવું કામ નથી. રણબીરે અહીં 'કપૂરો'ની કાબેલિયત પુરવાર કરી છે. પિતાને જાદુ કી ઝપ્પી આપવાના સીનમાં પરેશ રાવલ અને રણબીરને જોવા એક લ્હાવો છે. સુનિલ દત્તના રોલમાં વર્સેટાઈલ એક્ટર પરેશ રાવલે પણ ચાર ચાંદ લગાવ્યા છે. ફિલ્મના બીજા એક પાત્રએ ધ્યાન ખેંચ્યું છે, એ છે વિકી કૌશલ. સંજયનો ગુજરાતી મિત્ર કમલેશ કનૈયાલાલ કપાસી! - આ પાત્રનું બોન્ડિંગ જબરદસ્ત છે. ક્યાંક કોમિક ક્યાંક ઇમોશનલ અને ક્યાંક કેરિંગ! રાઈટરે શું લખ્યું છે આ પાત્રને!? જક્કાસ..... આ ઉપરાંત ફિલ્મના બીજા દરેક પાત્ર પણ પરફેક્ટ કાસ્ટિંગ છે. નરગિસના રોલમાં મનિષા કોઈરાલા ગ્રેસફુલ લાગે છે, તો સંજયપત્નિ માન્યતાના રોલમાં દિયા મિર્ઝા પણ જામે છે. આ ઉપરાંત પારસીબાબા બોમન ઈરાની તો આ ટીમમાં હોય જ!અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ આ ફિલ્મને બહુ જ કુશળતાપૂર્વક લખી છે. ડાયલોગ્સ અને સ્ક્રિનપ્લે પર એટલું ઝીણું કાંત્યું છે, કે પોણા ત્રણ કલાકની ફિલ્મ જરાય લાંબી નથી લાગતી. સંજુ આ બેલડીની પેટર્ન મુવી જ છે. હલવીફુલ અને છતાંય હૃદયસ્પર્શી! ક્યારેક ખડખડાટ હસાવે, તો ખબરેય ન પડે એમ, આંખના ખુણા ભીના કરી જાય! ફિલ્મમાં લોજિકલી બધું વાઇન્ડ અપ થયું છે, ફિલ્મની શરૂઆતમાં જ ડિસ્કલેમર મૂકેલું છે, આ સંજય દત્તના જીવન પર આધારિત 'ફિલ્મ' છે, અંતે આપણને એ કેટલાક પ્રશ્નો સાથે ફિલ થાય જ! ફિલ્મના મ્યુઝિકે ખાસ કંઈ ઉકાળ્યું નથી, એક ગીત 'કર હર મૈદાન ફતેહ...' સિવાય કોઈ ગીત ફિલ્મ જોઈને ઘરે આવો ત્યાં સુધી યાદ પણ નહીં રહે! ફિલ્મમાં મજરૂહ સુલ્તાનપુરી, સાહિર લૂધિયાનવી અને આનંદ બક્ષીને યાદ કર્યા છે, ત્રણે શાયરોના એક એક ગીત સંજુને 'ઉસ્તાદ'ની જેમ જીવનની રાહ બતાવે છે! ફિલ્મના કેટલાક લોકેશન્સ ખૂબ યાદ રહી જાય તેવા છે. ક્યાંક ફિલ્મને એક્સ્ટ્રિમ બતાવવા સીનેમેટિક છૂટછાટ પણ લેવાઈ છે. પણ જે રીતે ફિલ્મમાં વિલન તરીકે મીડિયાને ચીતરવાની હિંમત બતાવાઈ છે, માની શકાય એ હદે મીડિયાને બેજવાબદાર બતાવ્યું છે. ફિલ્મમાં આવતાં એક અખબારના તંત્રી (રીઅલ લાઈફમાં કોના જેવા લાગે છે? એ અહીં નહીં કહું) જે રીતે રંગ બદલે છે, એ જરા વાસ્તવિક છે. સંજુબાબા તો અખબારોને ડ્રગ્સ સાથે પણ સરખાવે છે!જોવાય કે નહીં? ફિલ્મનું પોસ્ટર જોઈને જ રણબીર કપૂરને સંજયમાં પરકાયાપ્રવેશ કરતો જોઈ શકાય છે. રાજકુમાર હિરાણીની ફિલ્મ બનાવવાની હથોટી, કમાલ રીતે દરેક કેરેક્ટરનું વાર્તામાં આવવું અને દર્શકોના મન પર છવાઈ જવું પણ જોવાનું કારણ છે. સંજુની જિંદગી સાથેની જુગલબંધી જોવાલાયક છે. રણબીર કપૂર ઉપરાંત વિકી કૌશલ પણ ઉગતો સિતારો કહી શકાય. ફિલ્મમાં સંજય દત્તના જીવન વિશેના પુસ્તકનું નામ છે, 'કુછ તો લોગ કહેન્ગે'. ફિલ્મ વિશે જે રીતે સોશ્યલ મીડિયામાં લખાઈ રહ્યું છે એના પરથી તો જાણે લોકો કહે છે, હમ તો બહોત કુછ કહેન્ગે! પણ હું એટલું જ કહીશ કે, આ જીવનકથા છે, આત્મકથા નહીં! રેટિંગ : 8/10 આલેખન : મનન બુધ્ધદેવ WhatsApp : 9879873873 FB : Master Manan