એક કરોડની ખંડણી મંગનાર યુવતીના સાથીદારના બે દિવસના રિમાન્ડ મંજુર મોરબી : મોરબીના ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવનાર ચાલબાજ યુવતી અને તેના ખંડણીખોર સાગરીતને અદાલતે રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી બાદમાં પોતાના ઘેર બોલાવી શારીરિક સંબંધો બાંધી વિડીયોક્લિપ ઉતારી લેનાર ચાલબાજ યુવતીએ ઉદ્યોગપતિને બ્લેકમેલ કરી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણમાં મૂળ ધ્રોલની હાલ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી કાજલ હેમરાજ પરમાર નામની યુવતી વિરુદ્ધ મોરબી સીટી બી - ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક અસરથી યુવતી અને તેના સાગરીત એવા રમેશ તળશી દઢાણીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસે ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવનાર કાજલ પરમાર અને રમેશ દઢાણીયાને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી આરોપીઓએ અન્ય કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ માટે રિમાન્ડ ઉપર સોંપવા માંગણી કરતા બ્લેકમેલ અને એક કરોડની ખંડણી માંગવા પ્રકરણમાં નામદાર અદાલતે આરોપી કાજલને એક દિવસ અને રમેશને બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.