ત્રણ હિન્દીભાષી શખ્સોએ રોડ પર અણીવાળા પથ્થરો મૂકી ટેન્કરમાં પંચર પાડી લૂંટ ચલાવી વાંકાનેર : મોરબી જિલ્લામાં હાઇવે પર લૂંટ કરતી ટોળકીએ હાઇવે પર લૂંટ ચલાવી ટ્રક ડ્રાઇવરની હત્યા કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ગઈકાલે મધ્યરાત્રીના વાંકાનેર હાઇવે પર બે ટેન્કર ચાલકોને ધોકા મારી લૂંટને અંજામ આપતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ - મોરબી - વાંકાનેર હાઇવે પર ગઈકાલે રાત્રીના ૨ વાગ્યાના અરસામાં કંડલાથી ટેન્કરમાં કેમિકલ ભરીને નીકળેલા અકબરશા ઉમરશા શેખ અને હરેશભાઇ ખેતાભાઈ કોળી અંકલેશ્વર તરફ જતા હતા ત્યારે ઢુંવા નજીક રાણેકપર ગામના પાટિયા પાસે પહોંચતા રોડ પર અણીદાર પાણા મૂકયા હોવાથી આગળના ટેન્કરમાં પંચર પડતા અકબરશા નીચે ઉતર્યા હતા અને બરાબર આ જ સમયે બાજુની જાળીમાંથી ત્રણ હિન્દીભાષી શખ્સો નીકળ્યા હતા અને તેમને માથામાં ધોકો ફટકારી ખિસ્સામાં રહેલ રૂ. ૬૫૦૦ ની રોકડ રકમ તથા ૫૦૦ ની કિંમતનો મોબાઈલ પડાવી લીધો હતો. આ લૂંટારું ગેંગે અકબરશા શેખને લૂંટયા બાદ ઘટનાના સાહેદ એવા હરેશભાઇ કોળીને પણ લૂંટયા હતા અને તેમની પાસેથી રૂપિયા ૧૫૦ ની રકમ પડાવી હિન્દી અને ગુજરાતી ભાષામાં ગાળો આપી નાસી ગયા હતા. બીજી તરફ આ ઘટના બાદ અહીંથી પોલીસની પેટ્રોલિંગવેન પસાર થતા બન્ને ડ્રાઇવરોએ લૂંટની ઘટનાની જાણ કરતા આ મામલે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર બી.ટી. વાઢીયાએ ગુન્હો નોંધી અજાણ્યા હિન્દીભાષી લૂંટારુંઓના સગળ મેળવવા તપાસ શરૂ કરી છે.