ઇકો કારમાં આવેલા દંપતિની પોલીસે અટકાયત કરી પૂછપરછ આદરી મોરબી :મોરબી નેશનલ હાઇવે પર આજ રોજ ઇકો કારમાં આવેલા દંપતિની શંકાસ્પદ ગતિવિધિને કારણે લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યું હતું. ટોળાએ માર મારતા પતિને ઈજાઓ પહોંચી હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દંપતિની અટકાયત કરી પૂછપરછ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નેશનલ હાઇવે પર બી ડિવિઝન પોલીસ મથકથી ૫૦૦ મી. દૂર પરમેશ્વર વે બ્રિજ પાસે વડોદરા પાસિંગની ઇકો કારમાં પતિ, પત્ની અને બે અન્ય મહિલા આવ્યા હતા. તેઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. બાદમાં બે મહિલાઓ ભાગી ગઈ હતી. ત્યારે લોકોનું ટોળું શંકાસ્પદ દંપતિ પર તૂટી પડતા પતિને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટોળુ વિખેરીને દંપતિને હીરાસતમાં લઈને પૂછપરછ આદરી હતી.