મોરબીમાં પેટિયું રળવા નીકળેલ મહિલાઓને બાળક ઉઠાવગીર સમજી લોકોએ પોલીસને ધંધે લગાડી : વાહિયાત અને આધાર પુરાવા વગર સોશ્યલ મીડિયાના મેસેજ વાયરલ કરનારાઓ હદ વટાવે છે મોરબી : સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ખોટા વાહિયાત મેસેજને પગલે મોરબીના કુબેરનગર વિસ્તારમાં મોબાઈલ ચાર્જર વેચી પેટિયું રળતી બે નિર્દોષ મહિલાઓ અને એક બાળકીને પકડી પોલીસ હવાલે કરતા તપાસના અંતે કાગનો વાઘ થયાનું ખુલ્યું હતું અને પબ્લિકે પોલીસને ધંધે લગાડયાનું ફલિત થતા પોલીસે પણ આવી અફવાઓમાં ન દોરવા લોકોને અપીલ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે મોરબીના કુબેરનગર વિસ્તારના કેટલાક રહેવાસીઓએ બે મહિલાઓને એક બાળકી સાથે ઝડપી લઈ આ મહિલાઓ બાળકીને ઉઠાવી લઈ જઈ રહી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પોલીસ પણ ધંધે લાગી હતી અને મહિલાની પૂછપરછ કરતા તેઓ બન્ને વઘાસિયા ટોલનાકા નજીક આવેલ હોટલ ભવાની પાછળ ઝૂંપડામાં રહેતા હોવાનું અને મોબાઈલ ચાર્જરનો ધંધો કરી પેટિયું રળતા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલાનું નામ સંગીતાબેન સુનિલભાઈ પવાર અને મમતાબેન રમેશભાઈ રાણા હોવાનું જણાવી સાથે રહેલી બાળકી સાનિયા સંગીતાબેનના નણંદ બાલીબેનની પુત્રી હોવાની કબૂલાત આપી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. બી.વી.ઝાલાએ મહિલાઓની કબૂલાત મુજબ ખરાઈ કરતા તમામ હકીકત સાચી નીકળી હતી એ ઉપરાંત ભવાની હોટલના માલિકની પૂછપરછ કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે આ લોકો હોટલ પાછળ આવેલા ઝૂંપડામાં ઘણા સમયથી રહે છે અને મોબાઈલ ચાર્જર વેચવાનો ધંધો કરે છે. વધુમાં પોલીસે બાળકીના માતા પિતા અંગે તપાસ કરી હતી અને જન્મતારીખના દાખલ સહિતના આધાર પુરાવાઓની ખરાઈ કરતા બંને મહિલાઓ સાચું બોલતી હોવાનું અને નિર્દોષ હોવાનું જણાતા તેઓને મુક્ત કર્યા હતા. અંતમાં મોરબી સીટી એ- ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ બી.વી.ઝાલાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ ઓડિયો વિડીયો નથી જેથી ખોટી અફવામાં ન દોરાવું અને નિર્દોષ લોકોને પરેશાન ન કરવા પણ જણાવ્યું હતું.