મેઘરાજા છેલ્લા ચાર દિવસથી હાથ તાળી આપતા હોવાથી જગતાત ચિંતિત મોરબી : મોરબીમાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજા ચાર દિવસથી જાણે સંતાકૂકડી રમી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતો તેમજ સામાન્ય લોકો હવે તો વરસી પડો તેવો સુર વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયું હોવા છતાં મોરબીમાં પ્રથમ રાઉન્ડમાં અમીછાંટણા સિવાય કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી. જોકે છેલ્લા ચાર દિવસથી વરસાદી સિસ્ટમ બંધાઈ છે. પરંતુ સૂર્યનારાયણ અને કાળા ડીબાંગ વાદળોની સંતાકુકડીથી જન હૈયાની આશા નિરાશામાં પલટાઈ રહી છે. જોકે છેલ્લા ચાર દિવસથી દરરોજ મેઘાડંબર રચાઈ છે. પરંતુ અમીછાંટણા થતા હોવાથી ધરતીપુત્રો ચિંતિત થઈ ગયા છે. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા સંતાકૂકડી રમતા હોવાથી હજી સુધી મોટાભાગની જગ્યાએ વાવણી કાર્ય થઈ શક્યું નથી. વાવણી માટે સારા વરસાદની આશાએ જગતાંત કાગડોળે રાહ જોઇને બેઠો છે. ખેડૂતો મેઘરાજા મનમૂકીને વરસી પડે તેવી ઈશ્વરને મનોમન પ્રાથના કરી રહ્યા છે.