સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાથી દર્દીઓને પડ્યા પર પાટુ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધાના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત જવાબદાર તંત્ર નજર સમક્ષ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યુ છે. ત્યારે એક જાગૃત નાગરિકે ધારાસભ્યને રજૂઆત કરી ચૂંટણી ટાણે આપેલ વચન યાદ અપાવી અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રજૂઆત કરી હતી કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી અપૂરતી સુવિધાને કારણે ર્દદીઓની હાલત કફોડી બની છે. સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી આ સમસ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ પુરી પાડવાનું વચન આપ્યું હતું. ધારાસભ્ય ચૂંટાયા તેને ખાસ્સો સમય થી ગયો છતાં સિવિલ હોસ્પિટલની હાલતમાં કઈ સુધારો આવ્યો નથી. જેથી ચૂંટણીમાં આપેલ વચન ધારાસભ્ય ભૂલી ગયા કે શું? વધુમાં તેઓએ ઉમેર્યું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ફરજ બજાવી રહ્યા છે. આ હોસ્પિટલમાં કાયમી સુપ્રીટેનડેન્ટની નીમણુક થતી નથી. સિવિલ હોસ્પિટલમાં ડોકટર અને સ્ટાફનો અભાવ છે. સોનોગ્રાફ મશીનો બંધ છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓ આવે છે. ત્યારે ધારાસભ્યએ પોતાનું વચન યાદ કરીને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠાવી છે.