હરરાજીમાંથી માલ ખરીદી કર્યા બાદ નાણા ન ચૂકવતા હોવાની ફરિયાદ હળવદ : મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ૩ શખ્સોએ તેમજ એક સ્થાનિક શખ્સે મળીને હળવદના વેપારીઓ પાસેથી હરરાજીમાં રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો. બાદમાં આ શખ્સો નાણાની ચુકવણી કરતા ન હોવાની વેપારીઓએ ફરિયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના વેપારી મનસુખભાઇ ઓધડભાઈ લખતરિયાએ ફરિયાદ નોંધાવી હતી કે મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ગજલક્ષ્મી ટ્રેડર્સ વાળા નવિનચંન્દ્ર રાયચંદભાઇ દક્ષીણી, તેનો પુત્ર ધ્રવકુમાર નવિનચંન્દ્ર તથા રાજુભાઇ કાંતીભાઇ તેમજ સ્થાનિક અશોકભાઇ ગાંડાલાલ બાપોદરીયા રહે. હળવદ આલાપ ટાઉનશીપ મકાન નં ૩૬ વાળાએ મળીને હરરાજીમાંથી હળવદના વેપારીઓનો રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો. નાણા સમય મર્યાદામાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હોવા છતાં ચારેય શખ્સો દ્રારા નાણાની ચુકવણી કરવામાં આવતી નથી. આમ ચારેય શખ્સોએ મળીને મનસુખભાઇના રૂ. ૨૩.૬૯ લાખ તેમજ અન્ય વેપારીઓના રૂ. ૩.૩૭ કરોડ મળીને કુલ ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરી છે. આ મામલે પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.