શ્રીમદ રાજચન્દ્રજીની જન્મભૂમિ વવાણીયાને તીર્થધામ જાહેર કરવાની માંગ મોરબી : મોરબી જિલ્લો બન્યાની સાથે જ વિકાસ પંથે આગળ ધપી રહ્યું છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ અહીં બહોળી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પરંતુ મેડિકલ કોલેજ ન હોવાથી છાત્રોને બહાર જવું પડી રહ્યું છે. જેથી વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરીને મેડિકલ કોલેજ આપવાની તેમજ વવાણીયાને તીર્થધામ જાહેર કરવાની માંગ કરી હતી. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી હતી કે મોરબી શહેરે શિક્ષણ ક્ષેત્રે ભારે કાઠું કાઢ્યું છે. મોરબી શહેરમાં શિક્ષણની સુવિધામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. પરંતુ હજી સુધી અતિઆવશ્યક એવી મેડિકલ કોલેજની સુવિધા મળી નથી. જેથી મોરબીના મેડિકલ છાત્રોને મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી જો અહીં મેડિકલ કોલેજ ફાળવવામાં આવે તો છાત્રોને ઘર આંગણે જ મેડિકલ કોલેજની સુવિધા મળી શકે તેમ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે માળિયાનું વવાણીયા ગામ શ્રીમદ રાજચંદ્રજીની પાવન જન્મભૂમિ છે. વવાણીયા ગામે માતા રામબાઈ માંનું મંદીર પણ આવેલ છે. દેશ વિદેશના ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. વવાણીયાને તીર્થધામ તરીકે જાહેર કરીને અહીં સરકારી ગ્રાન્ટનો સદુપયોગ કરવાથી વવાણીયા ઉપરાંત આસપાસના વિસ્તારનો પણ વિકાસ થશે.