અગાઉ પ્રદુષણ બોર્ડને રજુઆત બાદ સંતોષકારક કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ : ગ્રામજનોની હાઇકોર્ટમાં જવાની ચીમકી મોરબી : મોરબીના શનાળા ગામે આવેલ ફેકટરી દ્વારા કરવામાં આવતા પ્રદૂષણથી ગ્રામજનોના આરોગ્ય પર જોખમ ઉભુ થયું છે આ મામલે અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરતા પ્રદૂષણ બોર્ડે માત્ર નમુના લઈને કારણદર્શક નોટિસ પાઠવવાની કામગીરી કરી હતી ત્યારે ફરી ગ્રામજનોએ કલેકટરના રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ ઉઠાવી છે અન્યથા હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શકત સનાળાના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે સનાળા ગામે આવેલી જેનીસ રિકલેમેશન ફેક્ટરી દ્વારા નિકાલ કરાતાં પ્રદૂષણ અંગે અગાઉ પ્રદૂષણ બોર્ડને રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે પ્રદુષણ બોર્ડે ફેક્ટરીમાં તપાસ કરતાં ટેન્કર દ્વારા ગંદા પાણીનો બિનઅધિકૃત રીતે નિકાલ થતો હોવાનું બહાર આવ્યું હતું આથી પ્રદૂષણ અંગે તંત્રએ નમૂના લઇને જવાબદાર ફેક્ટરીને કારણદર્શક નોટિસ ફટકારી હતી તેમજ ફેક્ટરીના પ્રદૂષણ અંગેનો અહેવાલ તૈયાર કરીને વડી કચેરીએ મોકલાવી દીધો હતો. પ્રદુષણ બોર્ડે માત્ર આટલી કાર્યવાહી કરી સંતોષ માની લઈને કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી ફેક્ટરી દ્વારા નિકાલ કરાતા જોખમી પ્રદૂષણ અંગે બીજી વખત રજૂઆત કરવાની ફરજ પડી છે. ફેકટરીમાં પ્રોસેસ ચાલુ હોય છે ત્યારે તેના દ્વારા ભયંકર રીતે એર પોલ્યુશન બહાર ફેંકવામાં આવે છે તેના કારણે એટલી હદે હવા પ્રદૂષિત થાય છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ઉપરાંત તીવ્ર દુર્ગંધ પણ આવે છે. પ્રોસેસ દરમ્યાન ઉત્પન્ન થતો કચરો અને તેમાં વપરાતું પાણીનો નિકાલ જમીનમાં બોર કરીને કરવામાં આવે છે. ફેકટરી દ્વારા ગામલોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાથી ફેક્ટરી સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો દ્વારા હાઇકોર્ટમાં જવાની ચીમકી અપાઇ છે. ગ્રામજનોની રજૂઆત ના પ્રત્યુતરમાં કલેકટર માકડીયાએ જણાવ્યું હતું કે ફેકટરી દ્વારા પ્રદૂષણ ફેલાતું હોવાની ગ્રામજનોની રજૂઆતના પગલે ડેપ્યુટી કલેકટરને યોગ્ય તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જો ફેક્ટરી કસૂરવાર ઠરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.