ફ્રેન્ડશીપને કેન્દ્રમાં રાખીને બૉલીવુડમાં ઘણી ફિલ્મો બનતી રહી છે પણ 'ફિમેલ ફ્રેન્ડશીપ' પર ખૂબ જ ઓછી ફિલ્મો બની છે, ચાર માનુનીઓને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ 'A' સર્ટિફિકેટ ધરાવે છે. ફિલ્મનું કન્ટેન્ટ તો આપણી આસપાસ (અંગત રીતે) જોવા મળતું હોય એવું જ છે, પણ જયારે એ સિનેમા પર બતાવવામાં આવે ત્યારે એડલ્ટ કન્ટેન્ટ બની જાય છે. ડ્રિન્ક કરતાં, સિગારેટ પીતા, ગાળો બોલતાં મેલ કેરેક્ટર તો જોયાં પણ ફિમેલ કેરેક્ટરને આ રીતે રજૂ કરવા એક હિમ્મતવાળું કામ કહી શકાય! ચાર બહેનપણીઓ એક બીજાની પાક્કી દોસ્ત છે. એમના સ્કૂલના છેલ્લા દિવસથી ફિલ્મની શરૂઆત થાય છે. શાળાના છૂટવાના સમય પહેલાં જ ચારેય બેલ વગાડીને શાળા છોડી દે છે. શાળામાંથી તો છૂટે છે પણ જિંદગીની પરિક્ષાઓ હજુ બાકી હોય છે! આ ચારેય વીરે(ફ્રેન્ડ્સ) એટલે કાલિન્દી (કરિના કપૂર ખાન), અવની (સોનમ કપૂર આહુજા), સાક્ષી (સ્વરા ભાસ્કર), મીરા (શિખા ટીકુ તલસાણીયા). આ ચારેય કેરેક્ટર વુમન એમ્પાવરમેન્ટની રાડો પાડ્યા વગર અપર મીડલ કલાસ અને આપણી સોસાયટીમાં જોવા મળતી 'કુછ અનકહી કહાનિયાં' જેવા છે. દરેક કેરેક્ટરનું પોતાનું એક દુઃખ છે, તો તેમાંથી બહાર નીકળવાનો દરેકનો પોતીકો રસ્તો પણ છે! કાલિન્દીના માતા-પિતા ખૂબ ઝઘડે છે. એટલી હદે કે, તેણીને મેરેજોફોબિયા થઈ જાય છે! જો લગ્ન પછી આમ જ થશે તો, એવું વિચારી તેણી લગ્નથી વિમુખ થઈ જાય છે. માતાનું મૃત્યુ થતા તેના પિતા સાવકી મા લાવે છે. કાલિન્દી અલગ થઈ જાય છે. વિદેશમાં સેટલ થાય છે. ત્યાં તેનો પ્રેમી રિષભ (સુમિત વ્યાસ) તેને પ્રપોઝ કરે છે. લગ્ન માટે કરિના અસમંજસમાં મુકાય છે, પણ તેનાથી હા કહેવાય જાય છે. ફિલ્મનું બીજું કેરેક્ટર છે અવની શર્મા. સોનમે તેની ગ્લોરિયસ ઈમેજ અહીં પણ જાળવી રાખી છે. (થોડીક એક્ટિંગ પણ કરી છે,હોં!) તેણી ડિવોર્સ લૉયર છે. તે લગ્ન કરવા અને સંતાન પેદા કરવા ખૂબ ઉત્સુક છે. સ્કૂલના દિવસોમાં છોકરાંઓ સાથે ફોન પર ચૅટ કરતી અને ફિમેલ ફેન્ટસીમાં જીવતી દર્શાવી છે. આખી ફિલ્મમાં તે મુરતીયાની શોધમાં જ હોય છે! ફિલ્મમાં અન્ય કેરેક્ટરમાં સ્વરા ભાસ્કરે તેની દરેક ફિલ્મોની જેમ શાનદાર અભિનય કર્યો છે. તેણીને ખૂબ બોલ્ડ દર્શાવી છે. વાતે વાતે ગંદી ગાળો બોલે છે. ડ્રિન્ક કરે છે, સિગારેટ પીવે છે! પતિ સાથે મેરેજલાઈફ બાબતે ઝઘડીને પિયર આવી ગઈ હોય છે. માતાપિતાને પતિ સાથે થયેલા ઝઘડા વિશે કહી શકતી નથી. પડોશમાં રહેલ આંટીઓ તેણીને તેના લગ્નજીવન અંગે ટોર્ચર કરે છે. (પારકી પંચાત,યુ નો!) આ ફિલ્મમાં ધ્યાન ખેંચે એવો અભિનય કર્યો છે વિખ્યાત અભિનેતા ટીકુ તલસાણીયાની દિકરી શિખાએ. નેચરલ ફ્લોમાં ડાયલોગ ડિલિવરી એને વારસામાં મળી છે. ફિલ્મમાં તેણી એક ફોરેનર સાથે લગ્ન કરે છે, તેણીના પિતા નારાજ થઈ તેને જીવનમાંથી કાઢી મૂકે છે! (લવ મેરેજ ઇફેક્ટ!) પોતે પોતાના સંતાનનું નામ પિતાના નામથી રાખી સંતોષ માની લે છે! - આમ, દરેક કેરેક્ટરની પોતાની વ્યથા છે, કરિના લગ્નની હા પાડે છે, એટલે ચારેય ભેગા થાય છે. બચપણને વાગોળે છે. દરેક પોતાની ભૂલોને એકબીજા સાથે રહી અવલોકે છે, મન હળવું કરે છે અને પોતાની પસંદગી મુજબની જિંદગી જીવવા મથે છે. ચારેય વચ્ચેનું બોન્ડિંગ ગજબ બતાવ્યું છે, દરેક પોતાના (બેડરૂમ) સિક્રેટસ શેર કરે છે. દરેક કેરેક્ટરને ફૅશનેબલ બતાવવામાં ડિરેક્ટરે કમર કસી છે. Skype વાપરતી, સ્ટ્રીપ ક્લબમાં જતી, બિકિની પહેરીને સ્વિમિંગ કરતી, જાતે કાર જ નહીં જિંદગી પણ ડ્રાઇવ કરતી કન્યાઓ જોવી ગમે એવી છે. ખાસ કરીને ફિમેલ દર્શકોને ધ્યાનમાં રાખીને કેટલાક સીન્સ અને ડાયલોગ્સ લખાયા હોય, એવું લાગે છે. કહેવાતી મોર્ડન સ્ત્રીઓની જિંદગીની ફિલોસોફી રજુ કરતું આ મુવી ક્યાંક ફ્લોમાં તૂટે છે. હજુ વધુ ડીપમાં દરેક કેરેક્ટરને ફિલ કરવી શકાયા હોત. ફિલ્મમાં સબપ્લોટમાં રહેલી ઝાકમઝાળ ભરેલા લગ્ન કરવાની ફેન્ટસી અને તેની પાછળ રહેલા બ્લેક ટ્રુથને પણ અયોગ્ય રીતે દર્શાવ્યું છે. તો અમુલ, ટાટા, બિકાજી, એર ઇન્ડિયા, વિડીયોકોન અને બીજી અનેક પ્રોડક્ટ્સનું પ્લેસમેન્ટ જરા વધુ પડતું લાગે છે. ફિલ્મના એન્ડ ક્રેડિટસમાં આવતાં 'તારીફેં' ગીત સિવાય ખાસ કોઈ ગીત ફેમસ થયાં નથી. ફિલ્મ નબળી રીતે લખાઈ હોવાથી સેકન્ડ હાફમાં મોનોટોનસ અને સ્લો લાગે છે. જોવાય કે નહીં? એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મસે બનાવેલી (હોવા છતાં!) આ ફિલ્મ ફેમીલી સાથે તો ન જ માણી શકાય! ફિમેલ ફ્રેન્ડસ ગ્રુપમાં આ ફિલ્મ હાઉસફુલ જોવાય રહી છે. ફિલ્મમાં ચારેય લીડ કેરેક્ટર્સના કોસ્ચ્યુમ્સ, લાઈફ સ્ટાઇલ, સેટ્સ અને કેટલાક સીન્સમાં કેમેરાવર્ક અદ્ભૂત છે. આજની નારીને રજુ કરવામાં થોડીક બિનજરૂરી બોલ્ડનેસ આવી ગઈ છે. પણ પ્રેગ્નનસી પછી કરિના કપૂરનું કમબેક પર્ફોર્મન્સ પણ ફિલ્મ જોવાનું એક કારણ કહી શકાય. કેટલાંક શહેરોમાં આ ફિલ્મના ઑન્લિ વુમન સ્પેશ્યલ એક્સક્લુસિવ શૉ પણ થયાં છે. પુરુષોની હાજરી વગર સીટીઓ મારીને ફિલ્મ જોઈ શકે એટલાં માટે હશે કદાચ! ફિલ્મમાં દર્શાવેલી કેટલીક બાબતો જાહેરમાં નહીં, તો ખાનગીમાં, સ્ત્રીના મોઢે નહીં તો મનમાં બનતી તો હોય છે! રેટિંગ : 6.5/10 આલેખન : મનન બુધ્ધદેવ 9879873873