ઘૂંટુ રોડ પર સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી પરિણીતાની એકલતાનો લાભ લઈને પરપ્રાંતીય શખ્સે બળાત્કાર ગુજાર્યો 'તો મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર આવેલ સીરામિક ફેકટરીમાં રહેતી પરણિતા પર વર્ષ ૨૦૧૫માં પરપ્રાંતીય શખ્સે બળાત્કાર ગુજાર્યાનો કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. મોરબીના ઘુંટુ રોડ પર આવેલ સીરામીક ફેકટરીની ઓરડીમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાનો પતિ ગત તા. ૧૫ સપ્ટે.૨૦૧૫ ના રોજ રાત્રે નાઈટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો. ત્યારે પરિણીતાની એકલતાનો લાભ લઈને રાત્રે ૧ વાગ્યે તે જ કારખાનામાં કામ કરતા મૂળ છત્તીસગઢના દિનેશ ઉર્ફે દિનિયો સમરસિંહ મરારા નામના શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દુષ્કર્મનો કેસ આજે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો તથા ૧૧ સાક્ષીઓની જુબાની તેમજ ૧૯ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી ડિસ્ટ્રીકટ જજ રિઝવાના ધોધારીએ આરોપીને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અને રૂ.૧૨,૫૦૦નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.