ગુજરાતમાંથી મંત્રી પરસોત્તમ સોલંકી સહિત ૫ લોકો પાસેથી ખંડણી ઉઘરાવાનું કાવતરું રચ્યું હોવાની કબૂલાત મોરબી : મોરબીના વતની અને પૂર્વ રાજયમંત્રી જયંતિ કવાડિયા પાસેથી ખંડણી માંગનાર મુંબઈના આસી. ડાયરેક્ટરના ૩ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ ગુજરાતમાંથી મંત્રી પરશોતમ સોલંકી સહિત ૫ લોકોને ટાર્ગેટ બનાવ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. મોરબીના વતની અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાને ગેંગસ્ટર રવિ પુજારીના સાગરીતના નામે ફોન કરી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ને પોલિસે દબોચી લઈને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા આ આરોપીની ૩ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન બી અને સી ગ્રેડના આસી.ડાયરેક્ટરે અનેક ચોંકાવનારી કબુલાતો આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેને અગાઉ બી અને સી ગ્રેડના કલાકારોને પણ ખંડણી માટે ટાર્ગેટ બનાવ્યા હતા. ઉપરાંત ગુજરાતમાંથી મંત્રી પરસોતમ સોલંકી સહિત ૫ લોકો પાસેથી ખંડણી ઉઘરવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. હાલ આ રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીને જેલહવાલે કર્યો છે.