બન્ને અગ્રણીઓએ સરકાર અને કલેક્ટરને યોગ્ય રજુઆત કરવાની ખાતરી આપી મોરબી : મોરબીના ખાનપર ગામના જમીન વિવાદ મુદ્દે ગામના ખેડૂતોએ પરિવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ધામા નાખી ઉપવાસ શરૂ કર્યા છે.ત્યારે સાંજના સમયે સાંસદ મોહન કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ખાનપર ગામે અનુ.જાતિના સ્મશાન માટે જે જગ્યા ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો તેને રદ કરવાની માંગ સાથે ખાનપરના ખેડૂતોએ સહપરિવાર મોરબી જિલ્લા કલેકટરની કચેરી સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ત્યારે સાંજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ઉપવાસ છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. અને ખડૂતોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી બન્ને અગ્રણીઓએ સરકાર અને કલેક્ટરને યોગ્ય રજુઆત કરવાની ખાતરી આપી હતી. આ અંગે રાઘવજીભાઈ ગડારાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખડૂતોના પ્રશ્ન અંગે કલેક્ટર સાથે મિટિંગ કરી આ મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયારે ખાનપર ગામના સરપંચે આંદોલન મુદ્દે જણાવ્યું કે અનુ.જાતિના લોકોને ખાનપર ગામે ખરાબામાં સ્મશાન માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તેનો ઓર્ડર રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી ખાનપર ગામના ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે.