ધરણા પર બેઠલા ગ્રામજનોએ આવેદન આપી તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ચીમકી મોરબી : મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં આવી તેના વિરોધમાં આજે ખાનપરના ગ્રામજનોએ કલેકટર કચેરીએ મોરચો માંડી ધરણા પ્રદર્શન કર્યા બાદ સમગ્ર ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત આ અંગે તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખાનપર ગામના ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું કે દલિત સમાજને ખેડૂતોની ખરાવાડની સર્વે નં.૨ ની ૨૦ ગૂંઠા જમીનમાં સ્મશાન માટે કલેક્ટરે હુકમ કરેલ છે. આ હુકમ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો છે. જેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. આ હુકમ રદ નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે. તેમજ અગાઉ ડી.એલ.આરની માપણી ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરવામાં આવી હતી. જેથી નવેસર થી આ માપણી કરીને ખોટી માપણી કરવામાં જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે. સ્મશાન માટે ફાળવવામાં આવેલી ખરાવાડની જમીન ખેડૂતો વર્ષોથી ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના હુકમ કરવામાં આવતા ખેડૂતો નારાજ છે. ત્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.