મોરબીમાં ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન યોજાઈ : નિર્ણાયક તરીકે જાણીતા કોરિયો ગ્રાફર ધર્મેશની ઉપસ્થિતિ મોરબીમાં વિનર્સ ડાન્સ એકેડેમી દ્વારા ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં સ્પર્ધકોએ પોતાનો અદભુત ડાન્સ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ડાન્સ કોમ્પિટિશનમાં જજ તરીકે પધારેલા જાણીતા કોરિયોગ્રાફર અને ડાન્સ માસ્ટર ધર્મેશે ડાન્સમાં કેરિયર બનાવવા થનગનતા ટેલેન્ટેડ યુવાનોને મેસેજ આપતા કહ્યું કે જો તમારા ટેલેન્ટ ઉપર ભરોસો રાખશો તો જરૂર સફળ થશો. જાણીતા કોરિયોગ્રાફર અને ડાન્સ માસ્ટર ધર્મેશે ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં પોતાના અનુભવની વાત શેર કરી મોરબી બીજી વખત આવ્યા હોવાનું કહ્યું હતું. તેઓએ ઔદ્યોગિક નગરી ગણાતા મોરબીની મુલાકાત સુખદ સંભારણું બની હોવાનું ઉમેર્યું હતું.તેમણે કહ્યું કે પહેલા એક્ટિંગ અને ડાન્સિંગ સહિતના જુદા જુદા ક્ષેત્રે આગળ આવવાની તક ઓછી મળતી હતી જેથી યુવાનોની પ્રતિભા મુરજાય જતી હતી પરંતુ હવે ચિત્ર પલટાયું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હવે રિયાલિટી શોના વધતા જતા આયોજનોથી ટેલેન્ટેડ યુવાનોને ઉજળી તકો મળી રહી છે. જેમાંથી ઘણા યુવાનોએ પોતાની કેરિયર બનાવી છે તેમણે ટેલેન્ટેડ યુવાનોને મેસેજ આપતા કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બહુ સારી છે તમને પ્રતિભા ઝળકાવાની તક મળે ત્યારે તમે એ રિયાલિટી શોના પ્લેટફોર્મમાં કોઈ એવું ટેલેન્ટ દર્શાવો જેનાથી દર્શકો અને નિર્ણાયકો દંગ રહી જાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે સતત મહેનત કરીને ટેલેન્ટ પર ભરોસો રાખો તો ઉજળું પરિણામ મળશે.