સૌરાષ્ટ્ર કચ્છના ૩૫ હજાર લોકોએ નિહાળ્યું મહાનાટક : નાટક નિહાળવા આવતા 21 હજાર પરિવારોને ભારત માતાની તસ્વીર ભેટમાં આપવાનો નીર્ધાર મોરબી : મોરબીમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક મહાનાટક જાણતા રાજાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.અત્યાર સુધીમાં આ મહાનાટકના કુલ ૬ શો રજૂ થયા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ૩૫ હજારથી વધુ લોકોએ આ મહાનાટક નિહાળ્યું છે.સારો પ્રતિસાદ મળતા તા. ૯નો એક શો વધારવામાં આવ્યો છે. નાટક નિહાળવા આવનાર ૩૫ હજાર પરિવારોને ભેટમાં ભારતમાતાની તસ્વીર આપવાનો લક્ષયાંક પણ રાખવામાં આવ્યો છે. મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતાના ભવ્ય મંદિરના નિર્માણ અર્થે જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે.આ નાટકને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે માતૃભૂમિ ટ્રસ્ટના અગ્રણી મહેશભાઈ ભોરણિયાએ જણાવ્યું કે મહારાજા શિવાજીના જીવન ચરિત્રનું ઐતિહાસિક નાટક નિહાળવા માટે માત્ર મોરબીથી જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી લોકો આવે છે. વિશાળ રંગમંચ પર હાથી ઘોડા સહિતના કાફલા સાથે અઢીસો કલાકારો કલાના કામણ પાથરે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મહાનાટકમાં મોરબીના ૧૦૦ કલાકારો પણ પરફોર્મન્સ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં નાટકના ૬ શો રજુ થયા છે. લોકોનો ભવ્ય પ્રતિસાદ મળતા તા.૯ નો એક શો વધાર્યો છે. ઘરે ઘરે ભારત માતાનું પૂજન ગૌરવભેર થાય તે માટે ૨૧ હજાર પરિવારોને ભારત માતાની તસ્વીર ભેટમાં આપવાનો નીર્ધાર છે. તેમાંથી અત્યાર સુધીમાં ૧૫ હજાર પરિવારોને ભારત માતાની તસ્વીર અપાઈ ગઈ છે.ભારત માતાના મંદિરના નિર્માણ માટે પણ દાતાઓએ ઉદારતા દાખવી રૂ. ૨.૫ કરોડનું અનુદાન આપ્યું છે.