સતવારા સમાજના ૨૨ નવદંપતિઓ અગ્નિને સાક્ષી માની પ્રભુતામાં પગલાં માંડશે મોરબી : મોરબીના રામકો ફાર્મ ખાતે આવતીકાલે તા.૯ ને બુધવારના રોજ સતવારા સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતવારા સમાજના ૨૨ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે. સતવારા સહકાર મંડળ દ્વારા આવતીકાલે તા.૯ ને બુધવારના રોજ રામકો ફાર્મ, બાયપાસ રોડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, મેળાનું મેદાન, મોરબી ખાતે સતવારા સમાજના ૪થા સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં સમાજના ૨૨ નવદંપતિઓ સંતો ,મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્નોત્સવમાં આજે તા. ૮ના રોજ રાત્રે ૯ કલાકે રાસ ગરબા, કાલે તા.૯ના રોજ સવારે ૮ કલાકે મંડપ મુહૂર્ત, સાંજે ૬ કલાકે ભોજન સમારંભ, રાત્રે ૯:૩૦ કલાકે જાન આગમન, રાત્રે ૧૦ કલાકે સામૈયું, રાત્રે ૧૧ કલાકે હસ્ત મેળાપ, રાત્રે ૧૨:૩૦ કલાકે આશીર્વચન અને રાત્રે ૨ કલાકે કન્યા વિદાયના પ્રસંગો યોજાશે.