જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને આપી ચેતવણી મોરબી : મોરબીના ઘૂંટુ ,જેતપર તેમજ આજુબાજુ ગામના ખેડૂતોએ અનેક ધક્કા ખાધા હોવા છતાં તેઓને પાક વિમાની રકમ મળી નથી ત્યારે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ નહીં આપવામાં આવે તો જવાબદાર કંપની સામે કાનૂની લડત ચલાવવાની ચેતવણી આપી છે. મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું કે મોરબી જીલ્લામાં ખેડૂતો માટે આકરા દિવસો ચાલી રહ્યા છે. ઘુંટુ ,જેતપર તથા આજુબાજુના ગામના ખેડૂતોને વર્ષ ૨૦૧૬- ૧૭ નો પાક વિમો મળ્યો નથી જે ખેડૂતોએ રાજકોટ ડિસ્ટ્રીક બેંક દ્વારા વીમો લીધો છે તેવા ખેડૂતોને વિમાની રકમ હજુ સુધી મળી નથી. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ઘુંટુ શાખા દ્વારા વીમો ઉતરાવ્યો છે તેવા ૫૦ થી વધુ ખેડૂતો પાક વીમા માટે ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં વીમાકંપની દાદ આપતી નથી. વધુમાં જણાવ્યું કે ખેડૂતો આ અંગે અરજી કરે છે તો ત્રણ મહિને જવાબ મળે છે ઘણો સમય થઈ ગયો હોવા છતાં પાક વીમો ચૂકવાતો નથી ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભર્યું છે તમામ દસ્તાવેજી પુરાવા પણ રજુ કર્યા છે. છતાં છ મહિનાથી પાકવીમાની રકમ મળી નથી. ૧૫ દિવસમાં પાક વીમો નહી ચૂકવાય તો ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાનૂની કાર્યવાહી કરાશે જેની તમામ જવાબદારી બેંક અને વીમા કંપનીની રહેશે.