પશ્ચિમ ક્ષેત્ર સર સંઘચાલક ડો.જેન્તીભાઈ ભાડેસિયાના હસ્તે ઉદ્ઘાટન : ૬ હજારથી વધુ લોકોએ માણ્યુ નાટક : દરેક પરિવારોને ભારતમાતાની તસ્વીર ભેટ સ્વરૂપે અપાઈ : ઉદ્ઘાટન પ્રસંગે આવેલા તમામ મહાનુભાવોએ ટીકીટ લઈને ભારતમાતાના મંદિર નિર્માણમાં આપ્યું યોગદાન મોરબી : મોરબીના આંગણે અદભુત અને વિશ્વના સૌથી મોટા મહાનાટક જાણતા રાજાનો પ્રથમ શો ગઈકાલે યોજાયો હતો.આ પ્રથમ શો હાઉસ ફૂલ રહયો હતો. ૬ હજારથી વધુ લોકોએ આ નાટકને મન ભરીને માણ્યુ હતું. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતાના મંદિર નિર્માણના ઉમદા આશયથી મોરબીના આંગણે જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાથી, ઘોડા, ઉટ અને સાચા બળદ અને ૩૦૦૦ ફૂટના અદભુત સ્ટેજ પર ૨૫૦ કલાકારોનો કાફલો શિવાજી મહારાજનું જીવન વૃતાંત ભજવી રહ્યા છે. ગઈકાલે જાણતા રાજા મહાનાટકનો પ્રથમ શો યોજવામાં આવ્યો હતો. નાટકનું ઉદ્ઘાટન પશ્ચિમ ક્ષેત્ર સર સંઘચાલક ડો.જેન્તીભાઈ ભાડેસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન પ્રસંગે કાંતિભાઈ અમૃતિયા, પરસોત્તમભાઈ વરમોરા, ગોવિંદભાઇ વરમોરા અને જેન્તીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે જાણતા રાજા મહાનાટકના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ સ્વરૂપે પધારેલા મહાનુભાવોએ પણ ટીકીટ લઈને નાટક માણ્યું હતું. તેઓએ ટીકીટ લઈને ભારતમાતાના મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું. વિશેષમાં મહાનાટક માણવા આવેલા તમામ પરિવારોને ભારતમાતાની તસ્વીર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આમ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કુલ ૨૦ હજાર થી વધુ પરિવારોને ભારતમાતાની તસ્વીર અર્પણ કરીને એક અનોખો વિક્રમ સર્જશે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતાના મંદિર નિર્માણના ઉમદા આશયથી ભજવાતા આ જીવંત નાટક નિહાળવાની તક મોરબીવાસીઓને મળી છે. ટીકીટ બુકીંગ અને વધુ વિગત માટે મો.નં.૯૪૨૬૮૦૨૦૯૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.