અત્યાર સુધી જેના 1074 જેટલાં શૉ થઈ ચૂક્યા છે, એવું છત્રપતિ શિવાજીના જીવન પર આધારીત મહાનાટક જાણતા રાજા અત્યારે મોરબી મુકામે ભજવાઈ રહ્યું છે. આ નાટક એટલે સંગીત, નૃત્ય, અભિનય જેવી કલાઓનો સમન્વય. મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન, પુના દ્વારા નિર્મિત આ નાટકનું લેખન અને દિગ્દર્શન કર્યું છે, શિવશાહીર બાબાસાહેબ પૂરંદરેએ. આ નાટકમાં 250 જેટલાં કલાકારો ઉપરાંત હાથી, ઊંટ, ઘોડા વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ભવ્ય નાટકની શરૂઆત ઇ.સ.1983માં થઈ છે અને આજ દિન સુધી નાટકના કલાકારોની આખી પેઢી બદલાઈ ગઈ પરંતુ એશિયાનું આ સૌથી મોટું નાટક આજેય દેશ વિદેશમાં અતિઉત્સાહપૂર્વક હાઉસફુલ જોવાય છે. આખા નાટકમાં એક સૂત્રધાર આપણી સાથે રહે છે. તે તેના સંગીતના જૂથમાં નૃત્ય અને હળવા આંગિક અભિનય સાથે કાવ્યાત્મક રજુઆત કરે છે. આ પાત્રની એનર્જી કાબિલે દાદ છે. તો બાળ શિવાજી, યુવા શિવાજી અને પુખ્ત શિવાજીના પાત્રમાં ત્રણ અલગ કલાકારોએ અભિનય કર્યો છે. શિવાજીના પાત્ર ઉપરાંત માતા જીજાબાઈનું પાત્ર પણ સમગ્ર નાટકમાં સરસ ઉપસી આવે છે. નાટકની સાથે સાથે મહારાષ્ટ્રના વિવિધ પ્રદેશોના લોકનૃત્યો લાવણી, વાઘ્ય-મુરલી, કોંકણી, પોવડા વગેરે ઉપરાંત સંત જાનાબાઈના અભંગ, મુઘલ સામ્રાજ્યની પ્રખ્યાત કવ્વાલી, મુંજરા અને દરિયાઈ પ્રદેશના લોકનૃત્યો પણ સરસ રીતે વણાયા છે. લાઈટ એન્ડ સાઉન્ડ, વિશાળ સેટ, 250 જેટલા કલાકારોનો કાફલો અને રંગબેરંગી કોસ્ચ્યુમ્સ આ નાટકની ખાસિયત છે, એમ કહો કે, દરેક એક પાત્રની ગરજ સારે છે. શિવાજીના સમયની મરાઠારાજની સ્થિતિ આ નાટકમાં દર્શાવાઈ છે. 17મી સદીમાં થયેલ મુઘલ આક્રમણ અને હૈદરાબાદના નિઝામના શાસનકાળ દરમિયાન મરાઠા રાજવીઓએ સંધિ સ્વીકારેલી અને પરતંત્ર રીતે શાસન ચલાવેલું, આ ગુલામીપ્રથા સામે કરેલી શિવાજીની બગાવત અને સ્વરાજની લડત વિશે તબક્કાવાર આ નાટકમાં આપણને જાણવા મળે છે. શિવાજીના જન્મથી લઈને તેમની છત્રપતિ સુધીની જીવન ઝરમર નાટકમાં મુખ્ય ધારામાં દર્શાવાયેલ છે. તેઓનું માતા જીજાબાઈ દ્વારા થયેલું ઘડતર, સંસ્કાર, માતૃભૂમિ પ્રત્યેનું ગૌરવ અને તેઓની શૌર્યગાથા નાટકમાં છે, તો એક રાજવી ઉપરાંત મનુષ્ય તરીકેના તેમના વિચારો પણ વિવિધ દ્રશ્યોમાં આપણને જાણવા મળે છે. વિવિધ ધર્મને લઈને શિવાજીના વિચારો, ચારિત્ર્ય અંગેના શિવાજીના વિચારો અને સૈનિકો પ્રત્યેના અહોભાવથી સભર શિવાજીના અખંડ ભારત પ્રત્યેના વિચારોમાં એમનું દૂરંદેશીપણું આપણને દેખાય આવે છે. શિવાજીના દુશ્મનો પણ 'દુશ્મન હો તો શિવાજી જૈસા' એવું બોલી ઉઠે છે. આવા વિરલ વ્યક્તિત્વથી અંગ્રેજ શાસકો પણ પ્રભાવિત થયેલા અને તેઓને રાજ્યાભિષેક વખતે ઉપસ્થિત રહેલાં. આખા નાટક દરમિયાન 'The Understanding King' એટલે કે જાણતા(સમજદાર) રાજા તરીકેનું શિવાજીનું વ્યક્તિત્વ આપણી સમક્ષ ઉપસી આવે છે. નાટક સંપૂર્ણ ઓડિયો રેકોર્ડેડ છે, એકાદ બે જગ્યાએ પાત્રોનું લીપ્સીંગ સ્લીપ થતું દેખાય છે. તો ઘણાં પાત્રો એ ક્યાંક ક્યાંક ઓવર એક્ટિંગ પણ કરી છે, જેમ કે, સામે વાળું પાત્ર ડાયલોગ બોલતું હોય ત્યારે બીજા પાત્ર દ્વારા થતો અભિનય આપણને કન્ફ્યુઝનમાં મૂકી દે કે કોણ બોલે છે. બીજી રીતે જોઈએ તો શિવાજીના રાજ્યાભિષેક સાથે નાટક પૂર્ણ થઈ જાય છે, એ થોડું અજુગતું લાગ્યું. શિવાજીના અંત સમય સુધીની ગાથા ભલે અભિનયથી નહીં તો, સૂત્રધારના મુખે પણ કહી શકાય હોત. જો તમને ગીત-સંગીત, નૃત્ય, અભિનય જેવી કલાઓ પ્રત્યે પ્રીતિ હોય, શિવાજી જેવા રાજવીઓ પ્રત્યે ગૌરવની લાગણી હોય, જો તમે આવનારી પેઢીને આપણા રણબંકા ઇતિહાસ વિશે જણાવવા ઇચ્છતા હો, તો ત્રણ માળનો ભવ્ય સેટ ધરાવતાં આ 'જાણતા રાજા' નાટકને જોવું રહ્યું. ચાર દિવાલો વચ્ચે હોલમાં થતાં નાટકોથી આ નાટક જુદું પડે છે, હજારોની જનમેદની વચ્ચે ભજવાતું આ નાટક એકથી વધુ વખત આપના મુખેથી 'વાહ' શબ્દ બોલાવવા સક્ષમ છે. શિવાજીના જીવનની કેટલીક અદ્ભૂત ક્ષણોનો સાક્ષાત્કાર કરવાનો આ અવસર ચૂકવા જેવો નથી. આલેખન : મનન બુધ્ધદેવ 9879873873