ટંકારા : ટંકારામાં ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે જે ચેકડેમ અને તળાવ તૂટી ગયા છે તેને તત્કાલિક રીપેર કરાવવાની માંગ સાથે ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું કે ગત વર્ષે ટંકારામાં અતિવૃષ્ટિને કારણે ઘણી નુકશાની થઈ હતી. જેમાં જમીનનું ધોવાણ, માલ-ઢોરના મૃત્યુ થવા, પાક બળી જવા આવા અનેક નુક્શાનો થયા હતા. ઉપરાંત ચેકડેમો અને તળાવો પણ જર્જરીત થયા હતા. વધૂમાં તેઓએ જણાવ્યું કે જો આ ચેકડેમો અને તળાવો રીપેર કરાવવામાં નહીં આવે તો વરસાદનું પાણી વહી જશે અને આખરે ખેડૂતોને નુકશાન થશે. જેથી વહેલી તકે ખેડૂતોના હીત માટે ચેકડેમ અને તળાવોનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ છે.