સ્ટોલ ઉભા કરીને વિવિધ યોજનાઓની માહિતી અપાશે મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તમામ તાલુકાઓમાં તા.૨ને બુધવારે કૃષિમેળો યોજાશે. જેમાં અનેક સ્ટોલ ઉભા કરી કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ કૃષિ વિષયક સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે સફળ ખેડૂતોનું સન્માન પણ કરાશે. મોરબી જીલ્લામા તા.૨ના રોજ ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે, માળિયામાં મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે, ટંકારામાં જયશ્રી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે, વાંકાનેરમાં બાગાયત ફાર્મ મોટીવાડી -રાતીદેવડી રોડ ઉપર અને હળવદમાં મોડેલ સ્કૂલ માર્કેટીંગ યાર્ડ સામે કૃષિમેળો યોજાશે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું હતું કે આ કૃષિમેળામાં દરેક તાલુકાના ૫ સફળ ખેડૂતોનું સન્માન કરાશે. મેળાના સ્થળે ૨૦થી ૨૫ જુદી-જુદી યોજનાઓની માહિતી અંગેના સ્ટોલ મુકાશે. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો પણ રજુ કરશે. ખેડૂતોને કૃષિલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ખેડૂતોનો મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાશે.આ કૃષિમેળાનો લાભ લેવા તમામ ખેડૂતોને અપીલ કરાઈ છે.