મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલા કારખાનામાં શ્રમિક પરિવારના બે વર્ષના બાળકનું લોડર હડફેટે મોત નીપજ્યું છે. મૃતક બાળકના પિતાએ લોડરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ પાસે શિવ મિનરલ કારખાનામાં મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દિનેશભાઇ બિલોરસિંગ ચૌહાણ અને તેમના પત્ની માટીનું કામ કરતા હતા. તે દરમિયાન તેમનો બે વર્ષનો પુત્ર પિન્ટુ પણ ત્યાં રમી રહ્યો હતો. પુત્રના માતા પિતા કામ કરવામાં વ્યસ્ત હતા તે વેળાએ કારખાનામાં જીજે૩ સીએલ ૯૩૫૪ નંબરના લોડર ચાલકે બેદરકારીથી લોડર ચલાવીને ત્યાં રમી રહેલા બાળકને હડફેટે લેતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતા દિનેશભાઇ ચૌહાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.