જામનગરનો પરિવાર તારાપુર ચોકડીથી મોરબી માતાજીએ પગે લાગવા જતો હતો અને કાળ આંબી ગયો વાંકાનેર : આજે સવારે વાંકાનેર નેશનલ હાઇવે પર ગારીડા ગામના પાટિયા નજીક ઇકો કાર આડે રોઝડું ઉતરતા જામનગરના વિપ્ર મહિલા અને એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરનો પરિવાર તારાપુર ચોકડી ખાતે ઇકો કાર લઈ વેપાર અર્થે ગયો હતો જ્યાંથી પરત ફરતી વેળાએ મોરબી માતાજીના મઢના દર્શન કરવા જવા હોય ભાવેશ શશીકાંત પંડ્યા પરિવાર સહિત ઇકો કાર વાંકાનેર નેશનલ હાઇવે પરથી મોરબી જવા નીકળ્યા હતા. દરમિયાન બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જઇ રહેલા વિપ્ર પરિવારની ઇકો કાર આડે ગારીડા ગામ નજીક રોઝડું આડુ ઉતરતા ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માતમાં ચંદનીબેન ભાવેશભાઈ પંડ્યા ઉ.૨૫ અને એક અજાણ્યા પુરુષ ઉ. ૩૫ નું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને કારણે એક બાળક સહિત ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા હાલ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ એ.એસ.આઈ કિશોરભાઈ સાવંત ચલાવી રહ્યા છે.