મોરબી જિલ્લાની નંબર વન ન્યુઝ વેબસાઈટ અને ન્યુઝ એપ્લિકેશન મોરબી અપડેટ દ્વારા મોરબી જિલ્લાના વાચકોને સતત સમાચારોની અપડેટની સાથે જરૂરી માહિતીથી પણ અપડેટ રાખવાના મોરબી અપડેટની ટિમ દ્વારા નમ્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી અપડેટ દ્વારા આપણા મોરબીના ફિલ્મ રસિક વાચકો માટે હિન્દી અને ગુજરાતી ફિલ્મોનું રીવ્યુ આપવાનું શરુ કરવામાં આવી રહ્યું છે. જેમાં આપણા મોરબીના જ જાણીતા ક્રિએટિવ વિચારો ધરાવતા બાહોશ ફિલ્મ વિવેચક, લેખક, કવિ, સાહિત્ય રસિક અને વ્યવસાયે શિક્ષક એવા મનન બુદ્ધદેવ દ્વારા ફિલ્મોનો રીવ્યુ રજુ કરવામાં આવશે. ફિલ્મ : રેવા (ગુજરાતી) રેટિંગ : ૮/૧૦ પ્રખ્યાત લેખક ધ્રુવ ભટ્ટની ઈ.સ.૧૯૯૮માં આવેલી ગુજરાતી નવલકથા ‘તત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બની છે. નવલકથાની જેમ જ ‘રેવા’માં નર્મદામાતા અને તેના આસપાસનું લોકજીવન, પ્રકૃત્તિ, આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિ ખુબ જ સરસ શૈલીમાં રજુ કરાયા છે. સાહિત્યની કૃતિ પરથી ફિલ્મ બનાવવું થોડું અઘરું કામ કહી શકાય. પણ રેવામાં આ કામ નવલકથાના મૂળ વિચારને કેન્દ્રમાં રાખીને સુપેરે નિભાવ્યું છે ડાયરેક્ટર બેલડી રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ. ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકામાં છે ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર(થઇ જશે ફેઈમ), તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ચાલુ પાંડેનું પાત્ર ભજવતા દયા શંકર પાંડે, યતીન કારયેકર, ગુજરાતી આશાસ્પદ અભિનેતા અભિનય બેન્કરએ સહાયક ભૂમિકા ભજવી છે. ફિલ્મનું સંગીત પણ કર્ણપ્રિય છે. લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ રેવા થીમ સોંગમાં સ્વર આપ્યો છે. ફિલ્મમાં મુખ્યપાત્રમાં રહેલ ‘કરન’ અમેરિકામાં જ મોટા થયો હોય છે, તેના દાદા એ કરેલ વસિયતનામું (વિલ) તેને નર્મદા કિનારે આવેલા આશ્રમની મુલાકાતે આવવા મજબૂર કરે છે. તેની આ મુલાકાતમાં તે સ્થાનિકોના સંપર્કમાં આવે છે અને નર્મદાઆશ્રમનાં ટ્રસ્ટીઓનો વિશ્વાસ કેળવી પોતાની સંપત્તિ મેળવવા પ્રયત્નો કરે છે. આશ્રમવાસીઓનાં અંગત જીવન, ખાનપાન, રીતરીવાજો અને ધર્મ વિશેની માન્યતાઓ વગેરે સમજવા પ્રયત્ન કરે છે. તેના આ પ્રવાસ દરમિયાન ઘણા ટ્વીટસ આવે છે. તે પોતે કોણ છે ? તેના માં-બાપ કોણ છે? તેનું અસ્તિત્વ શું છે ? એ શોધવા એ નીકળી પડે છે નર્મદામૈયાની પરિક્રમાએ. આપણો દેશ વિવિધતાઓનો દેશ છે, તેમ છતાં કોઈ એવી શક્તિ છે. જે આ બધું ચલાવે છે અને તે શક્તિ તું જ છે એટલે કે તત ત્વમ અસિ (તત્વમસિ). ભારતીય અધ્યાત્મ પરંપરા અને સંસ્કૃતિનાં કેટલાક રહસ્યો અને પાયાના તત્વો પર આ ફિલ્મ પ્રકાશ ફેંકે છે. ડ્રોન કેમેરાથી લેવાયેલા દૃશ્યોમાં ‘નર્મદા’ જોઇને ‘વાહ’જેવી ફિલિંગ આવ્યા વિના ન રહે. નર્મદા માતાને સાડી ઓઢાડવાનો સીન હોય કે માં રેવાના દર્શનનો ક્લાઈમેક્સ સીન, આપડા રૂંવાડા ઉભા કરી દ્યે એવી રીતે ફિલ્માવાયા છે. ફિલ્મનું દરેક પાત્ર ફિલ્મમાં રહેલા મેસેજને કારણે જ ફિલ્મમાં હોય એવું ફિલ્મ જોયા પછી લાગે. જોકે ઈન્ટરવલ પહેલા ફિલ્મ થોડી ધીમી પડતી લાગે પણ ઈન્ટરવલ પછી રીતસરના આપણા દિલોદિમાગ પર છવાઈ જાય. જોવાય કે નહી? જો તમને એક્શનપેક ફુલ્લી ડ્રામા અને આઈટમ સોંગવાળી જ ફિલ્મો ગમતી હોય તો આ તમારો ટેસ્ટ નથી પણ જો તમને પ્રકૃત્તિ, ભારતીય સંસ્કૃતિ અને કૈંક નવું જ જોવું ગમતું હોય તો ધીસ ઈઝ ફોર યુ. મરાઠી કે બંગાળી ભાષામાં બનતી ફિલ્મોના વખાણ કરતાં આપણે આપણી માતૃભાષાની અમર સાહિત્યકૃતિ પરથી બનેલી આ ફિલ્મને વધાવવી જોઈએ. ‘ગુજરાતી ફિલ્મજગત પોતાના કલેવર બદલી રહ્યું છે’ – આ ફિલ્મ ‘રેવા’ એનો તાજેતાજો પુરાવો છે. આલેખન – મનન બુદ્ધદેવ