સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શૌચાલય અને આર.ઓ.પ્લાન્ટનું લોકાર્પણ મોરબી:મોરબીના સામાકાંઠા આવેલા નજરબાગ રેલવે સ્ટેશને આજથી કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ટિકિટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડા ના હસ્તે આધુનિક ટિકિટ પ્રણાલી સાથે અન્ય પ્રાથમિક સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી થી બે કિ.મી.ના અંતરે આવેલા નજરબાગ રેલવે સ્ટેશને ફક્ત અનરિઝર્વડ ટિકિટ બુક કરાવવાની સુવિધા ઉપલબ્ધ હતી ત્યારે હવે નજરબાગ રેલવે સ્ટેશનને કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન ટિકિટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે .યુટીએસ કમ પીઆરએસ સિસ્ટમ શરૂ થવાથી યાત્રિકો હવેથી દેશના કોઇપણ સ્ટેશન માટે રિઝર્વ ટિકિટ બુક કરાવી શકશે. સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ટિકિટ સિસ્ટમ સાથે સામાન્ય યાત્રિકો તથા દિવ્યાંગો માટે ટોયલેટ અને શુદ્ધ પાણી ના આરો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રેલવે સ્ટેશનના શેડના કામનું રીનોવેશન થયું હતું તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા રાજકોટ રેલવે મંડળના ડીઆરએમ પી.બી.નિનાવે અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ચાવડાએ જણાવ્યું કે આ રેલ્વે સ્ટેશનના અપગ્રેડ કરવાની સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ રજૂઆત કરી હતી. હવે ધીમેધીમે આ સ્ટેશન અપગ્રેડ થઈ રહ્યું છે અને હજી પણ રેલવે સ્ટેશનને સારી સુવિધા મળે તે માટે ગ્રાન્ટમાંથી તેમણે પાંચ લાખ રૂપિયા ફાળવ્યા છે.