જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે બેઠક મોરબી : રાજ્યમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે રાજય સરકારે આગોતરુ આયોજન કરી લીધુ છે. હાલ મોરબી જિલ્લાના ૩૩૧ ગામોને અને જિલ્લાની નગરપાલીકાઓને જરૂરિયાત મુજબનો પીવાના પાણીનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે જિલ્લામાં આવેલ જળાશયો મચ્છુ-૧, મચ્છુ-૨, બ્રામણી-૧ માથી તેમજ નર્મદાનું પીવાનું પુરતુ પાણી તંત્ર દ્વારા અપાઈ રહ્યુ છે. તેમ આજે ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ શહેર કે ગામ પીવાના પાણીથી વંચિત ન રહે અને જરૂર જણાયે તાત્કાલીક પીવાનું પાણી ટેન્કર મારફત પણ જરુરિયાત મુજબ અપાશે તે માટે સરકારની પૂરતી તૈયારી છે. તેમ તેમણે જણાવ્યું છે. મંત્રીશ્રીએ બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓ પાસેથી પીવાના પાણીની પરિસ્થીતી અને તેની સામે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત ની જાણકારી મેળવી થયેલ કામગીરી આયોજનની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલે હાલમાં મોરબી જિલ્લામાં મચ્છુ-૧, મચ્છુ-૨, બ્રામણી ડેમ અને નર્મદાનું પાણી મેળવાઈ રહ્યુ છે તેનાથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં પૂર્વે મંત્રીશ્રીએ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એસ.જી.લક્કડએ મંત્રીશ્રીને મોરબી ડીસ્ટ્રીકટ હેલ્થ મીશન અંગે જાણકારી પૂરી પાડી હતી તથા જિલ્લામાં મળતી આરોગ્ય વિષયક સેવાઓની જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી મોદી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રી શીવરાજસિંહ ખાચર, તથા જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.