આજથી રામોજી ફાર્મ ખાતે યુવા કથાકાર નિખિલ જોશી ભાગવત કથાનો પ્રારંભ : કથામાં તા.૬એ યોજાનાર રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવાશે : લાભ લેવા નિખિલ જોશીનું આહવાન મોરબી : મોરબીમાં રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક મહારુદ્ર યજ્ઞ દરમિયાન આવતીકાલથી ભાગવત કથાનો પ્રારંભ થનાર છે. કાલથી તા.૭ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી મોરબીના જાણીતા કથાકાર નિખિલ જોશી પોતાની આગવી શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથાનો હેતુ ધાર્મિકતાની સાથો સાથ પ્રકૃતિ અને પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવાનો છે. ત્યારે આ અનોખી ભાગવત કથા અંગે કથાકાર નિખિલ જોશી સાથે મોરબી અપડેટે ખાસ વાતચીત કરી હતી. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં કથાકાર નિખિલ જોષીએ જણાવ્યું હતું કે આ કથા એક ઉમદા હેતુથી થઈ રહી છે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ પ્રકૃતિપ્રેમી હતા ત્યારે આ કથામાંથી આપણે તેના વિચારો અપનાવીને પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવાનું છે વધુમાં તેઓએ કહ્યુ કે મોરબીમાં તેઓએ વૃક્ષપ્રેમી મંડળની રચના કરી હતી આ વૃક્ષ પ્રેમી મંડળ આગામી એક વર્ષમા ૧,૧૧,૧૧૧ વૃક્ષો વાવી અને તેનું જતન કરશે. નિખિલ જોષીએ કહ્યુ કે તેઓની પ્રથમ કથા દરમ્યાન એવો વિચાર આવ્યો હતો કે આ ધાર્મિક કાર્યક્રમમાં જો સમાજ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાઇ.ભાગવત કથા દરમ્યાન રૂક્ષ્મણી વિવાહ વખતે જો કોઈ ગરીબ ઘરની દીકરી ના પણ લગ્ન કરવામાં આવે તો આ લગ્ન ગરીબ પરિવાર માટે તેમજ કથા માટે એક યાદગીરી બની રહે. નિખિલ જોશીએ બાદમાં તેની ભાગવતકથામાં આ વિચારની અમલવારી કરી રૂક્ષ્મણી વિવાહ ના પ્રસંગે ગરીબ ઘરની દીકરી ના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા આ વાતની જાણ પ્રખર કથાકાર પૂ. મોરારિબાપુને થઈ હતી. મોરારીબાપુએ નિખિલ જોશીને આમંત્રણ પાઠવી તેમની પાસે બોલાવ્યા હતા. બાપુએ યુવા કથાકાર નિખિલ જોશીના વિચારની સરાહના કરીને કહ્યું હતું કે જો બધા કથાકાર આ રીતે સમાજસેવા હાથ ધરશે તો સમાજને ઘણી મદદ મળી રહેશે. યુવા કથાકાર નિખિલ જોષીએ મોરબી અપડેટ ના માધ્યમથી કથા દરમિયાન તા. ૬ના રોજ યોજાનાર રુક્ષ્મણી વિવાહમાં કોઇપણ ગરીબ પરિવારોને તેની દિકરીઓના લગ્ન કરાવવા માટે આહવાન કર્યું હતું કથા દરમિયાન ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્ય ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે. આ માટે લગ્ન ઈચ્છુક પરિવારે આયોજકોનો સંપર્ક સાધવાનો રહેશે. નિખિલ જોશીએ યુવાઓને સંબોધીને ખાસ જણાવ્યું હતું કે કથાએ વૃદ્ધો માટે નથી કથાએ યુવાઓ માટે હોય છે કારણ કે ભગવાને જે કાઈ લીલા કરી છે તે યુવાવસ્થામાં જ કરી છે યુવાઓએ કથામાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે ઘણું શીખવા જેવું પણ છે.વધુમાં વૃદ્ધોનું જીવન અંતિમ ચરણમાં હોય છે જ્યારે યુવાઓનું જીવન શરૂઆતના તબક્કે હોય છે ત્યારે યુવાઓએ કથામાંથી મેળવેલો બોધપાઠ તેને આગળની જિંદગીમાં ખૂબ કામ આવે છે.